ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. લગભગ 967 દિવસ બાદ ટીમ ઈન્ડિયાની સૌથી અનુભવી અને સફળ ત્રિપુટી વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ ફરી એકવાર વનડે ક્રિકેટમાં એકસાથે મેદાનમાં ઉતરવા તૈયાર છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થનારી ત્રણ મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચમાં આ ત્રણેય દિગ્ગજ ખેલાડીઓ લાંબા સમય બાદ સાથે રમતા જોવા મળશે.
આ ત્રિપુટીએ છેલ્લે 19 નવેમ્બર 2023ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં સાથે રમ્યા હતા. ત્યારબાદ વિવિધ કારણોસર ત્રણેય એકસાથે ODI મેચમાં જોવા મળ્યા નહોતા. હવે 967 દિવસના લાંબા અંતરાલ બાદ તેમની વાપસીથી ભારતીય ટીમને મોટો આત્મવિશ્વાસ મળશે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે માત્ર વનડે ફોર્મેટમાં જ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જ્યારે જસપ્રિત બુમરાહ ઈજામાંથી સંપૂર્ણપણે સાજા થયા બાદ ફરી ટીમમાં જોડાયા છે. ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમ સામે તેમની હાજરી ભારત માટે મોટી તાકાત સાબિત થઈ શકે છે. ટીમના યુવા કેપ્ટન શુભમન ગિલને પણ આ ત્રણ અનુભવી ખેલાડીઓનો અનુભવ મહત્વપૂર્ણ સાબિત થશે.
ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલાં ભારતીય ટીમે જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. રોહિત શર્માએ નેટ્સમાં મેચ જેવી પરિસ્થિતિમાં લાંબી બેટિંગ કરી હતી, જ્યારે વિરાટ કોહલી પણ સંપૂર્ણ લયમાં જોવા મળ્યા હતા. ટીમ મેનેજમેન્ટને આશા છે કે આ ત્રિપુટીના અનુભવના આધારે ભારત સિરીઝની શાનદાર શરૂઆત કરશે.
ચાહકો માટે પણ આ સિરીઝ ખાસ બની રહી છે, કારણ કે ઘણા ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે ઈંગ્લેન્ડમાં વિરાટ કોહલી અને રોહિત શર્માનો આ છેલ્લો વનડે પ્રવાસ હોઈ શકે છે. આવી સ્થિતિમાં ક્રિકેટપ્રેમીઓ ફરી એકવાર આ દિગ્ગજોને એકસાથે મેદાનમાં રમતા જોવા આતુર છે. ભારતની નજર સિરીઝ જીતવાની સાથે આગામી ICC ટૂર્નામેન્ટ માટે મજબૂત તૈયારીઓ પર પણ રહેશે.
