IPL

13 બોલ, 50 રન અને એક ભાવુક સંદેશ

ચેન્નઈના ઐતિહાસિક એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક)માં ગુજરાતના યુવા વિકેટકીપર બેટ્સમેન Urvil Patel એ એવી વિસ્ફોટક ઇનિંગ્સ રમી કે સમગ્ર ક્રિકેટ જગત આશ્ચર્યચકિત થઈ ગયું. લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા ઉર્વિલે મેદાન પર આવતા જ આક્રમક અંદાજ અપનાવ્યો અને માત્ર 13 બોલમાં અર્ધશતક ફટકારી IPL ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું.

ઇનિંગ્સની શરૂઆતથી જ ઉર્વિલ પટેલ સંપૂર્ણ લયમાં દેખાયા હતા. પહેલી જ કેટલીક બોલમાં તેણે વિરોધી બોલરો પર દબાણ બનાવી દીધું. શરૂઆતની 8 બોલમાં જ તેણે 6 ગગનચુંબી છગ્ગા ફટકારી દીધા હતા. એક ઓવરમાં સતત ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો ફટકારતાં ચેપોક સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા હતા.

ઉર્વિલે પોતાનું તોફાની અર્ધશતક Mohammed Shami ની બોલિંગમાં પૂર્ણ કર્યું. 13 બોલમાં 50 રન પૂરા કર્યા બાદ તેમણે બેટ જમીન પર રાખીને હાથ જોડ્યા અને ખાસ અંદાજમાં સેલિબ્રેશન કર્યું. ત્યારબાદ તેણે હેલ્મેટ ઉતારી ખિસ્સામાંથી એક પર્ચી બહાર કાઢી, જેમાં તેના પિતાને સમર્પિત ભાવુક સંદેશ લખેલો હતો.

તે પર્ચી પર અંગ્રેજીમાં “This is for you Papa” લખેલું હતું, જ્યારે નીચે ગુજરાતીમાં “પપ્પા, આ તમારા માટે” એવો ભાવનાત્મક સંદેશ હતો. ઉર્વિલનું આ સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયું અને ચાહકો તેના આ અંદાજથી ખૂબ જ ભાવુક બન્યા.

જોકે ઉર્વિલ પટેલ 23 બોલમાં 65 રન બનાવીને આઉટ થયા, તે છતાં તેની ઇનિંગ્સે મેચનો માહોલ સંપૂર્ણપણે બદલી નાખ્યો. પોતાની ઇનિંગ્સ દરમિયાન તેણે 2 ચોગ્ગા અને 8 વિશાળ છગ્ગા ફટકાર્યા હતા.

આ સાથે જ ઉર્વિલ પટેલે IPL ઇતિહાસની સૌથી ઝડપી ફિફ્ટીના રેકોર્ડમાં સ્થાન મેળવી લીધું. તેણે માત્ર 13 બોલમાં અર્ધશતક ફટકારી Yashasvi Jaiswal ના રેકોર્ડની બરાબરી કરી અને ક્રિકેટ જગતમાં પોતાની ખાસ ઓળખ ઉભી કરી દીધી.

Exit mobile version