IPL માત્ર મનોરંજનની લીગ નથી રહી, પરંતુ ભારતીય ક્રિકેટ માટે નવા સ્ટાર્સ શોધવાનું સૌથી મોટું પ્લેટફોર્મ બની ગયું છે. IPL 2026માં પણ અનેક યુવા ભારતીય ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ ખેલાડીઓ હવે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાની જર્સી પહેરતા જોવા મળી શકે છે.
લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતા દિલ્હીનો યુવા ઝડપી બોલર પ્રિન્સ યાદવે આ સિઝનમાં અસરકારક બોલિંગ કરી છે. તેણે 12 મેચમાં 16 વિકેટ ઝડપી છે. તેની ઝડપ અને સચોટ યોર્કરથી ઘણા દિગ્ગજ બેટર્સ મુશ્કેલીમાં મુકાયા છે. ભલે લખનઉ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ પ્રિન્સનું પ્રદર્શન સિલેક્ટર્સને પ્રભાવિત કરનારું રહ્યું છે.
કોલકાતા નાઇટ રાઇડર્સના કાર્તિક ત્યાગીએ પણ 12 મેચમાં 16 વિકેટ લઈને પોતાની પ્રતિભા સાબિત કરી છે. તેની યોર્કર અને બાઉન્સર બંને ખૂબ અસરકારક રહ્યા છે. અગાઉ તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ટીમ ઈન્ડિયાના નેટ બોલર તરીકે પણ જોડાયો હતો.
રાજસ્થાન રોયલ્સના માધવ તિવારીએ ભલે માત્ર બે મેચ રમી હોય, પરંતુ ઓલરાઉન્ડ ક્ષમતાને કારણે તેણે ખાસ છાપ છોડી છે. ઝડપી બોલિંગ સાથે તે નીચલા ક્રમે તોફાની બેટિંગ પણ કરી શકે છે.
પંજાબ કિંગ્સના પ્રિયાંશ આર્યએ સતત બીજા સીઝનમાં આક્રમક બેટિંગ કરી છે. આ સીઝનમાં તેણે 213ની સ્ટ્રાઈક રેટથી 364 રન બનાવ્યા છે. શરૂઆતથી જ બોલરો પર હુમલો કરવાની તેની શૈલી ટીમ મેનેજમેન્ટને પસંદ આવી રહી છે.
સૌથી વધુ ચર્ચામાં રહેલો ખેલાડી વૈભવ સુર્યવંશી છે. માત્ર 15 વર્ષની ઉંમરે તેણે 12 મેચમાં 486 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 245નો રહ્યો છે. તેણે 43 ચોગ્ગા અને 43 છગ્ગા ફટકાર્યા છે. અહેવાલો મુજબ આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન તેને ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

