IPL

“પ્રિય સાઈ, અગલી બાર પકડે રહેના, છોડના નહિ!”-ફેવિકોલ

ભારતની લોકપ્રિય એડહેસિવ બ્રાન્ડ ફેવિકોલ ફરી એકવાર પોતાની સર્જનાત્મક જાહેરાતને કારણે ચર્ચામાં આવી છે. ક્રિકેટ સાથે જોડાયેલી કંપનીની નવી સોશિયલ મીડિયા પોસ્ટે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે અને લાખો લોકો સુધી પહોંચી છે. ફેવિકોલે ક્રિકેટમાં બનતી ‘હિટ-વિકેટ’ જેવી દુર્લભ ઘટનાને પોતાની બ્રાન્ડિંગ સાથે જોડીને અનોખી માર્કેટિંગ રજૂ કરી છે.

ફેવિકોલના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કરાયેલી પોસ્ટમાં ક્રિકેટના ગ્લોવ્સ દર્શાવવામાં આવ્યા છે, જેના પર કંપનીનું લોગો જોવા મળે છે. પોસ્ટ પર લખવામાં આવ્યું છે, “Na chootega bat, Na hoga hit-wicket” એટલે કે “બેટ હાથમાંથી છૂટશે નહીં અને હિટ-વિકેટ પણ નહીં થાય.” બીજી સ્લાઇડમાં ક્રિકેટર સાઈ સુદર્શનને સંબોધતા લખવામાં આવ્યું છે, “Dear Sai, Agli baar pakde rehna, chhodna nahin!”

આ પોસ્ટ દ્વારા ફેવિકોલે તાજેતરમાં ક્રિકેટ મેચ દરમિયાન બનેલી એક ઘટનાને હળવાશથી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. કંપનીએ પોતાની જાણીતી ટેગલાઇન “Fevicol Ka Jod, Mazboot Jod” સાથે મજાકિયા અંદાજમાં એવો સંદેશ આપ્યો કે જો બેટ મજબૂત રીતે પકડવામાં આવે તો હિટ-વિકેટ જેવી સ્થિતિ ટાળી શકાય.

સોશિયલ મીડિયા પર આ પોસ્ટને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. પોસ્ટને એક લાખથી વધુ લાઇક્સ મળ્યા છે, જ્યારે હજારો લોકોએ કોમેન્ટ અને શેર કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ઘણા યુઝર્સે ફેવિકોલની માર્કેટિંગ ટીમની પ્રશંસા કરી છે અને તેને વર્ષની સૌથી મજેદાર ક્રિકેટ જાહેરાતોમાંની એક ગણાવી છે.

ફેવિકોલ લાંબા સમયથી પોતાની હાસ્યસભર અને સર્જનાત્મક જાહેરાતો માટે જાણીતી છે. કંપની સમયસરના પ્રસંગોને અનોખી રીતે રજૂ કરીને લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે. ક્રિકેટપ્રેમી દેશમાં રમત સાથે જોડાયેલી આવી જાહેરાતો ઝડપથી વાયરલ થતી હોય છે અને આ વખતે પણ ફેવિકોલે એ જ કમાલ કરી બતાવી છે.

આ પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે અને ક્રિકેટ ચાહકોમાં ભારે લોકપ્રિયતા મેળવી રહી છે.

Exit mobile version