પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ સરહદ પર ચાલી રહેલા તણાવને કારણે BCCIએ IPL એક અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી છે. બીસીસીઆઈએ શુક્રવારે આ જાહેરાત કરી. સુરક્ષાના કારણોસર, ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચ રદ કરવી પડી હતી, તેથી ચાહકોના મનમાં પ્રશ્ન એ છે કે આ મેચનું શું થશે. આ અંગે એક મોટી અપડેટ આવી છે.
૮ મેના રોજ ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ મેચ અચાનક અધવચ્ચે જ બંધ થઈ ગઈ અને મેચ રદ કરવી પડી.
આ મેચમાં પંજાબ કિંગ્સની ટીમે પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહની તોફાની ઇનિંગ્સથી વિસ્ફોટક શરૂઆત કરી હતી. પ્રિયાંશ આર્ય 34 બોલમાં 70 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે પ્રભસિમરન સિંહ 28 બોલમાં 50 રન બનાવીને અણનમ રહ્યો હતો. પંજાબ કિંગ્સની ટીમ સારી સ્થિતિમાં હતી, પછી મેચ બંધ કરી દેવામાં આવી. હવે આ મેચ વિશે મોટી માહિતી બહાર આવી રહી છે.
ધર્મશાલામાં મેચ રદ થયા પછી, IPL એ તેની વેબસાઇટ પર પોઈન્ટ ટેબલમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ બંને ટીમોના ખાતામાં ફક્ત ૧૧ મેચ જ બતાવવામાં આવી છે. સામાન્ય રીતે મેચ રદ થયા પછી, બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવે છે, પરંતુ આવું થયું નહીં, જેના પછી એવું માનવામાં આવે છે કે મેચ ફરીથી રમી શકાય છે.
પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ જ્યાંથી સમાપ્ત થઈ હતી ત્યાંથી શરૂ થશે કે પછી આખી મેચ ફરીથી રમાશે, તે અંગે BCCI દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ટૂર્નામેન્ટના નવા સમયપત્રક અને સ્થળો અંગેની વધુ વિગતો સંબંધિત અધિકારીઓ અને હિસ્સેદારો સાથે પરામર્શ કરીને પરિસ્થિતિનું વ્યાપક મૂલ્યાંકન કર્યા પછી યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.”

