IPL 2026 દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના ઓસ્ટ્રેલિયન ઓપનર ટ્રેવિસ હેડ વચ્ચે થયેલી તીખી બોલાચાલી ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની હતી. મેચ બાદ બંને ખેલાડીઓએ હાથ પણ ન મિલાવતાં સોશિયલ મીડિયા પર બંને વચ્ચે ગંભીર મતભેદ હોવાની અટકળો તેજ બની હતી. હવે આખરે આ સમગ્ર મામલે ટ્રેવિસ હેડે પ્રથમ વખત પોતાનું મૌન તોડ્યું છે.
ટ્રેવિસ હેડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “અમારી વચ્ચે એવું કંઈ નથી જેને લઈને બેસીને વાત કરવાની કે ઉકેલ લાવવાની જરૂર પડે. મેદાન પર આવી ઘટનાઓ બનતી રહે છે અને તે રમતનો જ એક ભાગ છે.” તેણે વધુમાં ઉમેર્યું કે IPL જેવી હાઈ-પ્રેશર ટૂર્નામેન્ટમાં ભાવનાઓ ઉછળી આવવી સ્વાભાવિક છે અને દરેક ખેલાડી જીતવા માટે સંપૂર્ણ જુસ્સા સાથે રમે છે.
હૈદરાબાદમાં રમાયેલી તે મેચ દરમિયાન વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચે મેદાન પર બોલાચાલી થઈ હતી. મેચ પૂર્ણ થયા બાદ હેન્ડશેક દરમિયાન કેમેરામાં વિરાટ કોહલી ટ્રેવિસ હેડ સાથે હાથ મિલાવ્યા વગર આગળ વધી ગયા હોવાનું જોવા મળ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો અને બંને વચ્ચે સંબંધ બગડ્યા હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી.
આ વિવાદ બાદ ટ્રેવિસ હેડની પત્ની જેસિકા પણ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો ભોગ બની હતી. આ મુદ્દે હેડે કહ્યું કે તેઓ અને તેની પત્ની આવી પરિસ્થિતિને સમજી શકે છે, પરંતુ પરિવારના અન્ય સભ્યો માટે આવી ટ્રોલિંગ સહન કરવી મુશ્કેલ હતી. તેમ છતાં તેણે કહ્યું કે સોશિયલ મીડિયા પર આવી બાબતો થોડા દિવસોમાં શાંત થઈ જાય છે અને તેઓએ તેને વધારે મહત્વ આપ્યું નથી.
ટ્રેવિસ હેડના આ નિવેદન બાદ વિરાટ કોહલી અને તેના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને ચાલી રહેલી અટકળો પર હવે મોટાભાગે પૂર્ણવિરામ લાગી ગયો છે. હેડે સ્પષ્ટ કરી દીધું છે કે બંને વચ્ચે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી અને મેદાન પરની ઘટના માત્ર રમતનો એક હિસ્સો હતી.

