IPL

DPL 2026માં ચમકી શકે છે આ 5 ખેલાડીઓ

દિલ્હી પ્રીમિયર લીગ (DPL) 2026ની શરૂઆત સાથે જ યુવા ક્રિકેટરો માટે પોતાની પ્રતિભા સાબિત કરવાની મોટી તક ઊભી થઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં DPLમાંથી અનેક ખેલાડીઓએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સ્થાન બનાવ્યું છે. આ વખતે પણ પાંચ એવા ખેલાડીઓ પર સૌની નજર છે, જે DPLમાં શાનદાર પ્રદર્શન કરીને IPL 2027ની હરાજીમાં કરોડોની ડીલ મેળવી શકે છે.

આ યાદીમાં સૌથી પહેલું નામ છે યશ ધુલનું. ભારતને અંડર-19 વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન હાલમાં સેન્ટ્રલ દિલ્હી કિંગ્સની કમાન સંભાળી રહ્યો છે. IPLમાં અગાઉ તક મળ્યા છતાં તે ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો, પરંતુ DPLની શરૂઆત તેણે જવાબદાર ઇનિંગ સાથે કરી છે. જો આખી સિઝનમાં તેનું પ્રદર્શન સતત સારું રહેશે તો IPL 2027ની હરાજીમાં ટીમો તેની માટે મોટી બોલી લગાવી શકે છે.

ઝડપી બોલર મની ગ્રેવાલ પણ સેન્ટ્રલ દિલ્હી કિંગ્સ તરફથી રમી રહ્યો છે. નવી બોલથી સ્વિંગ અને ડેથ ઓવરમાં અસરકારક બોલિંગ તેની ખાસિયત છે. અગાઉ IPL હરાજીમાં અનસોલ્ડ રહેલા ગ્રેવાલ માટે આ સિઝન પોતાની ક્ષમતા સાબિત કરવાની સુવર્ણ તક છે.

અર્પિત રાણા એક ઉપયોગી ઓલરાઉન્ડર છે, જે ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવાની સાથે ડાબા હાથની સ્પિન બોલિંગ પણ કરી શકે છે. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા ખેલાડીઓની IPLમાં હંમેશા માંગ રહેતી હોય છે.

વેસ્ટ દિલ્હી લાયન્સના મનન ભારદ્વાજ પણ ચર્ચામાં છે. તેઓ સ્પિન ઓલરાઉન્ડર હોવા ઉપરાંત બંને હાથથી સ્પિન બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે અને નીચલા ક્રમે ઝડપી રન બનાવવામાં પણ નિષ્ણાત છે.

આ યાદીમાં છેલ્લું નામ આયુષ દોશેજાનું છે. આ ડાબોડી આક્રમક બેટ્સમેને DPLમાં અગાઉ સદી ફટકારી પોતાની પ્રતિભા સાબિત કરી છે. જો તે આ સિઝનમાં ફરીથી મોટી ઇનિંગ્સ રમશે તો IPL 2027ની હરાજીમાં તેના પર પણ કરોડોની બોલી લાગવાની પૂરી શક્યતા છે. DPL ફરી એકવાર યુવા ખેલાડીઓ માટે IPL સુધી પહોંચવાનો મજબૂત પ્લેટફોર્મ સાબિત થઈ શકે છે.

Exit mobile version