IPL હંમેશાં યુવા ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા સાબિત કરવાનો સૌથી મોટો મંચ રહ્યો છે. IPL 2026માં હવે એક નવું નામ સમગ્ર ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યું છે-માધવ તિવારી. દિલ્હી કેપિટલ્સ (DC)ના આ યુવા ઓલરાઉન્ડરે પંજાબ કિંગ્સ (PBKS) સામે ડેબ્યૂ મેચમાં જ શાનદાર પ્રદર્શન કરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે.
28 સપ્ટેમ્બર 2003ના રોજ જન્મેલા માધવ તિવારી મધ્ય પ્રદેશના મૌગંજના રહેવાસી છે. તે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે ઓળખાય છે અને બેટિંગમાં પણ ઝડપી રન બનાવવાની ક્ષમતા ધરાવે છે. માધવ એ હજુ સુધી મધ્ય પ્રદેશ માટે સિનિયર ડોમેસ્ટિક ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું નથી, પરંતુ લોકલ ટૂર્નામેન્ટ્સ અને મધ્ય પ્રદેશ પ્રીમિયર લીગમાં પોતાના જબરદસ્ત પ્રદર્શનથી તે પસંદગીકારોની નજરમાં આવ્યા હતા.
IPL 2025ની મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે માધવ તિવારીને 40 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ટીમ મેનેજમેન્ટને તેની ઓલરાઉન્ડ ક્ષમતા પર વિશ્વાસ હતો અને મધવે પોતાની પહેલી જ મેચમાં તે વિશ્વાસ સાચો સાબિત કર્યો.
પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં માધવે બોલિંગમાં 4 ઓવરમાં 40 રન આપીને 2 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. તેણે પ્રિયાંશ આર્યા અને કૂપર કોનોલીને પેવેલિયન મોકલી DCને મોટી સફળતા અપાવી.
211 રનના મોટા લક્ષ્યનો પીછો કરતી દિલ્હી કેપિટલ્સ મુશ્કેલીમાં હતી, ત્યારે માધવે અંતિમ ઓવરોમાં તોફાની બેટિંગ કરી મેચનું પાસું ફેરવી નાખ્યું. તેણે માત્ર 8 બોલમાં 18 રન ફટકારી 225ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી. તેની આ મેચ વિનિંગ ઇનિંગ્સના કારણે દિલ્હીએ 6 બોલ બાકી રહેતા 3 વિકેટે જીત મેળવી લીધી.
ડેબ્યૂ મેચમાં જ બેટ અને બોલ બંનેથી કમાલ કરનાર માધવ તિવારીને ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

