IPL

આજે નહીં રમાય IPLનો એકપણ મુકાબલો

Indian Premier League 2026 નો લીગ સ્ટેજ હવે પૂર્ણ થઈ ગયો છે અને હવે ટૂર્નામેન્ટ રોમાંચક પ્લેઓફ તબક્કામાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. જોકે, આજે એટલે કે 25 મેના રોજ IPLમાં એકપણ મેચ રમાઈ રહી નથી. આ સિઝનની શરૂઆત પછી આ પહેલો એવો દિવસ છે જ્યારે કોઈ મુકાબલો યોજાયો નથી. હવે 26 મેથી પ્લેઓફના મુકાબલાઓનો પ્રારંભ થશે.

આ વખતે લીગ સ્ટેજ બાદ કુલ 6 ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂકી છે, જ્યારે હવે માત્ર ચાર ટીમો જ ખિતાબની રેસમાં બચી છે. Royal Challengers Bengaluru, Gujarat Titans, Sunrisers Hyderabad અને Rajasthan Royals એ પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે. ખાસ વાત એ છે કે આ ચારેય ટીમો અગાઉ ઓછામાં ઓછો એક વખત IPL ટ્રોફી જીતી ચૂકી છે. એટલે આ સિઝનમાં કોઈ એક ટીમ બીજી વખત ચેમ્પિયન બનશે.

પ્લેઓફનો પહેલો મુકાબલો એટલે કે ક્વોલિફાયર-1, 26 મેના રોજ રમાશે. આ મેચમાં ટોપ-2 ટીમો RCB અને ગુજરાત ટાઇટન્સ આમને-સામને ટકરાશે. આ મુકાબલો ધર્મશાલામાં યોજાશે. જીતનાર ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનાર ટીમને ક્વોલિફાયર-2 મારફતે બીજી તક મળશે.

ત્યારબાદ 27 મેના રોજ એલિમિનેટર મુકાબલો રમાશે, જેમાં SRH અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થશે. હારનાર ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે, જ્યારે જીતનાર ટીમ ક્વોલિફાયર-2માં પ્રવેશ કરશે. ક્વોલિફાયર-2 29 મેના રોજ રમાશે.

આ સિવાય 28 અને 30 મેના રોજ પણ IPLમાં કોઈ મેચ રમાશે નહીં. ત્યારબાદ 31 મેના રોજ સિઝનની સૌથી મોટી મેચ એટલે કે ફાઇનલ યોજાશે, જેમાં IPL 2026નો નવો ચેમ્પિયન મળશે. હવે જોવું રહ્યું કે RCB પોતાનો ખિતાબ બચાવવામાં સફળ રહે છે કે પછી કોઈ બીજી ટીમ ટ્રોફી જીતે છે.

Exit mobile version