IPL 2027 પહેલાં એક મોટા ટ્રેડને લઈને ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા ચાલી રહી છે. અહેવાલો અનુસાર, દિલ્હી કેપિટલ્સ (DC) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે હાઈ-પ્રોફાઇલ ખેલાડીઓની અદલાબદલી થવાની શક્યતા છે. આ ટ્રેડ હેઠળ વિકેટકીપર બેટર ઋષભ પંત ફરી દિલ્હી કેપિટલ્સમાં પરત ફરી શકે છે, જ્યારે ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ બની શકે છે.
ઋષભ પંતે IPLમાં પોતાની કારકિર્દીનો મોટો ભાગ દિલ્હી સાથે વિતાવ્યો હતો. જોકે 2025ની મેગા ઓક્શનમાં LSGએ તેને રેકોર્ડ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા અને ટીમની કમાન પણ સોંપી હતી. પરંતુ લખનૌ માટે તેનો સમય અપેક્ષા મુજબ રહ્યો નહીં. ટીમ IPL 2026માં ખરાબ પ્રદર્શન બાદ પોઇન્ટ્સ ટેબલમાં સૌથી નીચે રહી હતી અને ત્યારબાદ પંતે કેપ્ટનશિપ પણ છોડી દીધી હતી.
હવે મળતી માહિતી મુજબ દિલ્હી કેપિટલ્સ પંતને ફરી પોતાની ટીમમાં સામેલ કરવા ઇચ્છે છે. ટ્રેડ ડીલ અંતર્ગત કુલદીપ યાદવ LSGમાં જઈ શકે છે. કુલદીપ હાલમાં IPLના સૌથી અસરકારક સ્પિનરોમાંના એક માનવામાં આવે છે અને તેના આવવાથી લખનૌના બોલિંગ આક્રમણને મજબૂતી મળી શકે છે.
અહેવાલો મુજબ આ ટ્રેડ માટે BCCIની મંજૂરી પ્રક્રિયા પણ ચાલી રહી છે. જો સોદો પૂર્ણ થાય તો પંતનો પગાર પણ નોંધપાત્ર રીતે ઘટી શકે છે. હાલમાં તેઓ 27 કરોડના કરાર પર છે, જ્યારે દિલ્હી તરફથી તેને આશરે 15 કરોડ રૂપિયામાં સામેલ કરવામાં આવી શકે છે.
જો આ ટ્રેડ સત્તાવાર રીતે પૂર્ણ થાય તો IPL ઇતિહાસના સૌથી મોટા ખેલાડી વિનિમયોમાં તેનો સમાવેશ થશે. પંતની દિલ્હીમાં ઘરવાપસી અને કુલદીપનું લખનૌમાં આગમન આગામી સિઝન પહેલાં બંને ટીમોના સંતુલનને સંપૂર્ણપણે બદલી શકે છે.
