SRHએ IPL 2026માં ફરી એકવાર પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી છે. પંજાબ કિંગ્સ સામે રમાયેલા મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 235 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ઈશાન કિશન અને હેનરિખ ક્લાસેનની અર્ધશતકીય ઇનિંગ્સના દમ પર SRHએ ફરી સાબિત કરી દીધું કે આ સીઝનમાં તેમની બેટિંગ લાઇનઅપ સૌથી ખતરનાક માનવામાં આવે છે.
આ સીઝનમાં અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન અને ક્લાસેન જેવા બેટ્સમેનો સતત આક્રમક અંદાજમાં રમતા જોવા મળ્યા છે, જેના કારણે SRH વારંવાર 200+ સ્કોર બનાવવામાં સફળ રહી છે. PBKS સામે 235 રન બનાવતા હૈદરાબાદે IPL 2026માં 8મી વખત 200થી વધુ સ્કોર બનાવ્યો છે.
આ સાથે SRHએ એક મોટા IPL રેકોર્ડની બરાબરી કરી છે. અગાઉ IPLના એક જ સીઝનમાં સૌથી વધુ વખત 200+ સ્કોર બનાવવાનો રેકોર્ડ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સના નામે હતો, જેમણે 2025ની સીઝનમાં 8-8 વખત આ કારનામું કર્યું હતું. હવે SRH પણ આ યાદીમાં સામેલ થઈ ગઈ છે. જો હૈદરાબાદ આગામી મેચમાં ફરી 200થી વધુ સ્કોર બનાવશે તો તે IPL ઇતિહાસમાં એક સીઝનમાં સૌથી વધુ વખત 200+ સ્કોર બનાવનાર પ્રથમ ટીમ બની જશે.
માત્ર એટલું જ નહીં, SRHએ મુંબઈ ઇન્ડિયન્સના એક ખાસ રેકોર્ડની પણ બરાબરી કરી છે. મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે IPL ઇતિહાસમાં 8 વખત 200+ સ્કોર બનાવ્યો હતો, જ્યારે હવે સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સ સામે 8મી વખત 200+ સ્કોર કરીને આ સિદ્ધિ મેળવી છે.
હાલ SRHની બેટિંગ જોઈને એવું લાગી રહ્યું છે કે આ ટીમ કોઈપણ બોલિંગ લાઇનઅપને તોડી શકે છે અને IPL 2026માં નવા નવા રેકોર્ડ બનાવવાનું હજુ બાકી છે.

