IPL

વિરાટ-હેડ વિવાદે પાર કરી હદ

IPL 2026માં Virat Kohli અને Travis Head વચ્ચે થયેલી મેદાન પરની ગરમાગરમી હવે સોશિયલ મીડિયા સુધી પહોંચી ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચ બાદ ટ્રેવિસ હેડ અને તેની પત્ની જેસિકા હેડને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ અને અપમાનજનક સંદેશાઓનો સામનો કરવો પડ્યો છે. મામલો એટલો વધી ગયો કે જેસિકાએ ખુદ આગળ આવી લોકોને સંયમ રાખવાની અપીલ કરી.

મેચ દરમિયાન વિરાટ કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચે તીખી બોલાચાલી જોવા મળી હતી. બેટિંગ દરમિયાન કોહલીએ મજાકિયા અંદાજમાં હેડને બોલિંગ કરવા માટે ઇશારો કર્યો હતો. જોકે, કોહલી માત્ર 15 રન બનાવી આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ હેડે હસતા હસતા કહ્યું હતું કે, “મિત્ર, તું તો મારી બોલિંગ આવે તે પહેલાં જ આઉટ થઈ ગયો.” મેચ બાદ બંને ખેલાડીઓ વચ્ચેનું તણાવ વધુ વધતું દેખાયું હતું. વાયરલ થયેલા વીડિયોમાં ટ્રેવિસ હેડ કોહલી સાથે હાથ મિલાવવા આગળ વધ્યા હતા, પરંતુ કોહલીએ નજર મિલાવ્યા વગર આગળ વધી ગયા હતા.

આ ઘટનાના પછી સોશિયલ મીડિયા પર બંને ખેલાડીઓના ચાહકો વચ્ચે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. અનેક યુઝર્સે ટ્રેવિસ હેડ અને તેના પરિવારને નિશાન બનાવી અપમાનજનક મેસેજ મોકલ્યા હતા. ટ્રેવિસ હેડની પત્ની જેસિકાએ ઓસ્ટ્રેલિયન મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે માત્ર તેને જ નહીં, પરંતુ તેના મિત્રો અને પરિવારજનોને પણ હેટ મેસેજ મળ્યા હતા. તેણે કહ્યું કે આ બધું તેમને 2023 ODI વર્લ્ડ કપ ફાઇનલ બાદ થયેલી ટ્રોલિંગની યાદ અપાવે છે.

જેસિકાએ વધુમાં કહ્યું કે રમત પ્રત્યેનો જુસ્સો જરૂરી છે, પરંતુ ખેલાડીઓ અને તેમના પરિવાર પ્રત્યે સન્માન જાળવવું એટલું જ મહત્વપૂર્ણ છે. તેણે લોકોને સોશિયલ મીડિયા પર ભાષા અને વર્તન અંગે વધુ જવાબદારી દાખવવાની અપીલ કરી.

Exit mobile version