રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2026ની ટ્રોફી જીતીને સતત બીજી વખત ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો છે. જોકે મેદાન પર વિરાટ કોહલી, રાજત પાટીદાર અને અન્ય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ ટીમની આ ઐતિહાસિક સફળતા પાછળ સપોર્ટ સ્ટાફની ભૂમિકા પણ એટલી જ મહત્વપૂર્ણ રહી છે. ખાસ કરીને દિનેશ કાર્તિક, એન્ડી ફ્લાવર અને મો બોબાટે મળીને RCBને એક નવી ઓળખ આપી છે.
હેડ કોચ એન્ડી ફ્લાવરે ટીમમાં એવી સંસ્કૃતિ વિકસાવી કે જેમાં દરેક ખેલાડીને મહત્વ આપવામાં આવ્યું. કેપ્ટન રાજત પાટીદારે પણ સ્વીકાર્યું કે ફ્લાવરની માર્ગદર્શન પદ્ધતિએ ટીમને વધુ એકજુટ બનાવી અને દબાણની ક્ષણોમાં પણ આત્મવિશ્વાસ જાળવવામાં મદદ કરી.
બીજી તરફ, ડિરેક્ટર ઓફ ક્રિકેટ મો બોબાટે ઓક્શનથી લઈને સ્ક્વોડ બિલ્ડિંગ સુધી લાંબા ગાળાની વ્યૂહરચના પર કામ કર્યું. ખેલાડીઓની યોગ્ય પસંદગી અને તેની ભૂમિકાઓ સ્પષ્ટ કરવાના કારણે RCBને સતત સફળતા મળી.
પૂર્વ ભારતીય વિકેટકીપર દિનેશ કાર્તિકે બેટિંગ કોચ અને મેન્ટર તરીકે યુવા ખેલાડીઓને તૈયાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. કાર્તિક અને ફ્લાવર સાથે કરેલી મહેનતના કારણે અનેક ખેલાડીઓનું પ્રદર્શન નવા સ્તરે પહોંચ્યું હોવાનું ટીમ મેનેજમેન્ટે પણ સ્વીકાર્યું છે.
એક સમય એવો હતો જ્યારે RCBને “ચોકર્સ” તરીકે ઓળખવામાં આવતી હતી, પરંતુ હવે એ જ ટીમ IPLની સૌથી મજબૂત ફ્રેન્ચાઇઝી બની ગઈ છે. સતત બે ટ્રોફી જીત્યા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે RCBની સફળતા માત્ર સ્ટાર ખેલાડીઓના કારણે નહીં, પરંતુ પડદા પાછળ કામ કરનાર આ માસ્ટરમાઇન્ડ્સના કારણે પણ શક્ય બની છે.

