ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL હાલમાં દુનિયાની સૌથી મોટી અને લોકપ્રિય ક્રિકેટ લીગ ગણાય છે. દર વર્ષે લગભગ બે મહિના ચાલતી આ ટૂર્નામેન્ટને હવે વધુ લાંબી બનાવવાની ચર્ચા તેજ બની છે. BCCIને એવી સલાહ આપવામાં આવી છે કે IPLને માત્ર 2 મહિનાની બદલે 6થી 7 મહિના સુધી રમાડવી જોઈએ.
લખનઉ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયંકાના ભાઈ અને જાણીતા ઉદ્યોગપતિ હર્ષ ગોયંકાએ એક લેખ મારફતે IPLના વિસ્તરણની માંગ કરી છે. તેણે જણાવ્યું કે જો IPLને વધુ સમય આપવામાં આવે તો આ લીગ વધુ મોટી વ્યાપારી અને વૈશ્વિક સ્પોર્ટ્સ બ્રાન્ડ બની શકે છે.
હર્ષ ગોયંકાના આ વિચારોને IPLના સ્થાપક લલિત મોદીએ પણ સમર્થન આપ્યું છે. સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ શેર કરતાં લલિત મોદીએ લખ્યું કે IPLને ટૂંકું કરવાની જરૂર નથી, પરંતુ તેને વધુ લાંબું બનાવવું જોઈએ. તેના મતે IPL નવેમ્બરથી શરૂ થઈ શકે અને 6થી 7 મહિના સુધી ચાલી શકે.
લલિત મોદીએ સૂચન કર્યું કે લીગના મુકાબલા મુખ્યત્વે ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે યોજાઈ શકે. આ ફોર્મેટમાં કુલ 94 મેચો રમાડવાની યોજના પણ શક્ય બની શકે છે.
તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને બચાવી રાખવા માટે પણ ખાસ સૂચન આપ્યું. તેના અનુસાર IPL વચ્ચેના સમયગાળામાં અથવા સપ્તાહના મધ્ય દિવસોમાં આંતરરાષ્ટ્રીય સિરીઝ યોજી શકાય. જરૂર પડે તો ફૂટબોલ લીગની જેમ IPLને થોડા સમય માટે રોકીને દ્વિપક્ષીય સિરીઝ માટે વિન્ડો પણ આપવામાં આવી શકે.
હાલમાં BCCI તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આ ચર્ચાએ ક્રિકેટ જગતમાં નવી ચર્ચાનો વિષય ઉભો કર્યો છે.
A great article by my good friend @hvgoenka on the ACTUAL STATE OF OUR CRICKET. Some enlightening points like stadiums. I don’t agree on shortening the tournament. In fact it should be stretched elongated- ipl as a format could now move to a full window of home and away played… pic.twitter.com/Z4UrV6EkbS
— Lalit Kumar Modi (@LalitKModi) May 17, 2026

