પાકિસ્તાનના પૂર્વ સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં તેમને બ્રિટિશ નાગરિકતા મળ્યા બાદ ક્રિકેટ જગતમાં એવી અટકળો ચાલી રહી હતી કે હવે તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમતા જોવા મળી શકે છે. આ તમામ ચર્ચાઓ વચ્ચે આમિરે પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે અને સ્પષ્ટ જવાબ આપ્યો છે.
મોહમ્મદ આમિરે કહ્યું કે તેઓ 2027ની પાકિસ્તાન સુપર લીગ (PSL)માં ઓવરસીઝ ખેલાડી તરીકે રમશે. જોકે IPLમાં ભાગ લેવા અંગે તેણે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. આમિરે જણાવ્યું કે, “હું 2027માં PSLમાં ઓવરસીઝ ખેલાડી તરીકે રમીશ, પરંતુ IPL રમીશ કે નહીં તે અંગે હજુ કંઈ કહી શકું નહીં.”
બ્રિટિશ નાગરિકતા મળ્યા બાદ આમિર માટે દુનિયાભરની ફ્રેન્ચાઇઝ લીગના દરવાજા વધુ ખુલ્લા થયા છે. હાલમાં તેઓ ઇંગ્લેન્ડની ‘ધ હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટમાં ટ્રેન્ટ રોકેટ્સ તરફથી સ્થાનિક ખેલાડી તરીકે રમી રહ્યા છે. આ ઉપરાંત તેઓ અગાઉ નોટિંગહેમશાયર માટે પણ સ્થાનિક ખેલાડી તરીકે રમ્યા હતા, જેના કારણે ટીમને ઓવરસીઝ ખેલાડીની વધારાની જગ્યા મળી હતી.
આમિરે બ્રિટિશ નાગરિકતા તેમની પત્નીના આધારે પ્રાપ્ત કરી છે. આ બદલાવને કારણે હવે તેઓ અનેક આંતરરાષ્ટ્રીય લીગમાં બ્રિટિશ ખેલાડી તરીકે નોંધણી કરાવી શકે છે, જેમાં IPL પણ સામેલ છે. જોકે હાલમાં તેમનું સંપૂર્ણ ધ્યાન ફ્રેન્ચાઇઝ ક્રિકેટ પર છે અને તેણે IPL અંગે કોઈ ઉતાવળનો નિર્ણય ન લેવાની વાત કરી છે.
34 વર્ષીય મોહમ્મદ આમિરે 2024ના ટી20 વર્લ્ડ કપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે પાકિસ્તાન માટે ટેસ્ટ, વનડે અને ટી20 ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે ક્રિકેટ ચાહકોની નજર એ વાત પર ટકેલી છે કે શું ભવિષ્યમાં આમિર IPLની કોઈ ટીમની જર્સીમાં જોવા મળશે કે પછી તેઓ માત્ર અન્ય ફ્રેન્ચાઇઝ લીગમાં જ રમવાનું પસંદ કરશે. હાલ તો આમિરે આ સસ્પેન્સ યથાવત રાખ્યું છે.
क्या IPL खेलेंगे मोहम्मद आमिर? ब्रिटिश नागरिकता मिलने के बाद पाकिस्तानी दिग्गज ने खुद तोड़ी चुप्पी#PSL2027 https://t.co/jsVJo9e3u0
— Dainik Jagran (@JagranNews) August 5, 2026

