IPL 2026નું ખિતાબ જીતીને ઇતિહાસ રચનાર Royal Challengers Bengaluruએ પોતાના કરોડો ચાહકોને ખાસ સંદેશ આપ્યો છે. ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલમાં 5 વિકેટે શાનદાર જીત મેળવી સતત બીજી વખત ટ્રોફી પોતાના નામે કરનાર RCBએ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને જવાબદારીપૂર્વક ઉજવણી કરવાની અપીલ કરી છે.
ટીમે પોતાના સંદેશમાં ચાહકોને ઘરમાં રહીને અથવા સુરક્ષિત સ્થળોએ જીતનો આનંદ માણવા જણાવ્યું. RCB મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું કે ટીમ માટે ફેન્સનો પ્રેમ સૌથી મોટી તાકાત છે, પરંતુ દરેક ચાહકની સુરક્ષા તેનાથી પણ વધુ મહત્વની છે.
આ અપીલ પાછળનું મુખ્ય કારણ ગયા વર્ષે બેંગલુરુમાં બનેલી દુઃખદ ઘટના માનવામાં આવી રહી છે. RCBની પ્રથમ IPL ટ્રોફી જીત બાદ ઉજવણી દરમિયાન ભારે ભીડ એકઠી થતાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં અનેક લોકોના જીવ ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.
આ વખતે પણ RCBની જીત બાદ સમગ્ર કર્ણાટક અને ખાસ કરીને બેંગલુરુમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો છે. રસ્તાઓ પર ફેન્સે આતશબાજી કરી, ઢોલ-નગારાઓ સાથે ઉજવણી કરી અને “Ee Sala Cup Namdu”ના નારા લગાવ્યા. જોકે, પ્રશાસન અને ટીમ બંનેએ લોકોને શાંતિપૂર્ણ અને સલામત રીતે જીતની ખુશી મનાવવા અનુરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે કેપ્ટન Rajat Patidarની આગેવાનીમાં RCBએ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવી સતત બીજી IPL ટ્રોફી જીતી છે. ટીમની આ ઐતિહાસિક સિદ્ધિ બાદ સમગ્ર ક્રિકેટ જગતમાંથી અભિનંદનોનો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ સાથે જ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે.
Good morning, 12th Man Army. ❤️
Safe to say this is the best way to start a new month? 😉🏆#PlayBold #ನಮ್ಮRCB #IPL2026 pic.twitter.com/2fRgWxGgH6
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 1, 2026

