ભારતીય ટીમ આયર્લેન્ડ સામે 18 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી ત્રણ મેચની T20I શ્રેણી રમશે. આ તમામ મેચ ડબલિનમાં રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયા બે વખત આયર્લેન્ડની મુલાકાત લઈ ચુકી છે. આ ત્રીજી વખત હશે જ્યારે ભારતીય ટીમ અહીંની મુલાકાત લેશે. આ શ્રેણીમાં મોટાભાગના યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે, જેમાંથી ચાર ટી-20 ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે. આ સિવાય કેપ્ટનશિપ જસપ્રીત બુમરાહ કરશે, જે ટીમ ઈન્ડિયાનો 11મો T20 કેપ્ટન હશે.
આ પહેલા ભારતીય ટીમ અને આયર્લેન્ડ વચ્ચે કુલ પાંચ T20 મેચ રમાઈ છે. આમાંથી ચાર મેચ આઇરિશ ધરતી પર રમાઇ છે. ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીની તમામ મેચો જીતી છે. જો પ્રવાસની વાત કરીએ તો ભારતીય ટીમ 2018માં વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં અહીં આવી હતી અને 2-0થી શ્રેણી જીતી હતી. ત્યારબાદ 2022માં હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ટીમ આયર્લેન્ડ પહોંચી અને T20 શ્રેણી 2-0થી જીતી. હવે વારો છે જસપ્રીત બુમરાહનો જે આ અજેય રેકોર્ડને જાળવી રાખવા માંગશે.
