LATEST

સહાયક કોચ રાયન ટેન ડોશાટેનો રાજીનામો

ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફમાં મોટો ફેરફાર થયો છે. ટીમ ઈન્ડિયાના સહાયક કોચ રાયન ટેન ડોશાટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલાં જ તેણે ટીમથી અલગ થવાનો નિર્ણય લીધો છે. હવે તેઓ આગામી IPL સીઝનમાં ફરી એકવાર પોતાની જૂની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સાથે જોડાશે.

રાયન ટેન ડોશાટે જુલાઈ 2024માં ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફનો ભાગ બન્યા હતા. બેટિંગ, ફિલ્ડિંગ અને ખેલાડીઓના સર્વાંગી વિકાસમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે સતત આંતરરાષ્ટ્રીય પ્રવાસ અને પરિવારને પૂરતો સમય ન આપી શકવાના કારણે તેણે BCCIને પોતાનો નિર્ણય અગાઉથી જ જણાવી દીધો હતો.

અહેવાલો અનુસાર, ટેન ડોશાટે હવે IPL 2027માં કોલકાતા નાઇટ રાઇડર્સના કોચિંગ સ્ટાફમાં જોડાશે. ગૌતમ ગંભીર સાથે તેનો લાંબા સમયનો વ્યાવસાયિક સંબંધ રહ્યો છે અને KKRમાં પણ બંનેએ સાથે મળીને સફળતા મેળવી હતી. હવે તેઓ ફરી એકવાર ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં પોતાની સેવાઓ આપતા જોવા મળશે.

તેના અચાનક રાજીનામાથી ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં ખાલી જગ્યા ઉભી થઈ છે. ખાસ કરીને શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં આ બદલાવ ટીમ મેનેજમેન્ટ માટે પડકારરૂપ બની શકે છે. જોકે BCCI ટૂંક સમયમાં નવા સહાયક કોચની નિમણૂક અંગે નિર્ણય લઈ શકે છે.

રાયન ટેન ડોશાટે નેધરલેન્ડ્સના પૂર્વ ઓલરાઉન્ડર રહી ચૂક્યા છે અને કોચ તરીકે પણ તેની ઓળખ ખૂબ જ સફળ રહી છે. ટીમ ઈન્ડિયા સાથેનો તેનો કાર્યકાળ ભલે ટૂંકો રહ્યો હોય, પરંતુ ખેલાડીઓના વિકાસમાં તેનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. હવે ક્રિકેટ ચાહકોની નજર એ વાત પર રહેશે કે ભારતીય ટીમના નવા સહાયક કોચ તરીકે કોને જવાબદારી સોંપવામાં આવે છે.

Exit mobile version