OFF-FIELD

ઈમરાન ખાન માટે ભાવુક થયા જાવેદ મિયાંદાદ

પાકિસ્તાન ક્રિકેટના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેઓ પોતાના પૂર્વ સાથી અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને લઈને ભાવુક થઈ ગયા હતા. એક કાર્યક્રમ દરમિયાન ઈમરાન ખાન વિશે વાત કરતાં મિયાંદાદની આંખોમાં આંસુ આવી ગયા અને તેઓ કેમેરા સામે જ રડી પડ્યા. તેણે ઈમરાન ખાનની મુક્તિ માટે ભાવુક અપીલ પણ કરી હતી.

મિયાંદાદે ઈમરાન ખાન સાથેના પોતાના લાંબા ક્રિકેટિંગ સંબંધને યાદ કરતાં તેના પક્ષમાં વાત કરી. તેણે ઈમરાનને ભ્રષ્ટ વ્યક્તિ ન ગણાવતા સવાલ કર્યો કે જો તેને જેલમાંથી મુક્ત કરવામાં આવે તો તેમાં શું નુકસાન છે. મિયાંદાદના આ ભાવુક નિવેદન બાદ પાકિસ્તાનના ક્રિકેટ અને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ છે.

ઈમરાન ખાન હાલમાં જેલમાં છે અને તેના સ્વાસ્થ્ય તથા જેલમાં મળતી સુવિધાઓને લઈને તેમના પરિવાર તરફથી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તાજેતરમાં તેના પુત્રો કાસિમ અને સુલેમાન ખાને એક ઈન્ટરવ્યૂમાં તેમના પિતાના સ્વાસ્થ્ય અને જેલની પરિસ્થિતિ અંગે ગંભીર દાવા કર્યા હતા. આ ઈન્ટરવ્યૂને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને સ્કાય સ્પોર્ટ્સ વચ્ચે પણ વિવાદ સર્જાયો હતો.

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે મિયાંદાદનું ઈમરાન ખાન માટે રડી પડવું ખાસ ચર્ચાનો વિષય બન્યું છે. જોકે, મિયાંદાદ પોતે પણ અગાઉના કેટલાક વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે. ખાસ કરીને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથેના તેના પારિવારિક સંબંધ અંગે આપેલા જૂના નિવેદનને લઈને તેની ભારે ટીકા થઈ હતી. મિયાંદાદના પુત્ર જુનૈદના લગ્ન દાઉદ ઈબ્રાહિમની પુત્રી સાથે થયા છે. એક જૂના ઈન્ટરવ્યૂમાં મિયાંદાદે આ સંબંધને લઈને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

હવે ઈમરાન ખાન માટે મિયાંદાદની ભાવુક અપીલે ફરી એકવાર તેને પાકિસ્તાનના ક્રિકેટ અને રાજકીય ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.

Exit mobile version