LATEST

‘કેપ નંબર 278’એ કહ્યું અલવિદા

ભારતીય ક્રિકેટના સૌથી વિશ્વસનીય ટેસ્ટ બેટ્સમેનોમાંના એક અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર ભાવુક વીડિયો શેર કરીને રહાણેએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરને અલવિદા કહ્યું અને ભારતીય ટીમ, કોચિંગ સ્ટાફ, પરિવાર તેમજ કરોડો ચાહકોનો દિલથી આભાર માન્યો. છેલ્લા ત્રણ વર્ષથી ટીમ ઇન્ડિયામાં વાપસી માટે સતત પ્રયાસો કરવા છતાં તક ન મળતાં આખરે તેણે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

રહાણે ભારતીય ટેસ્ટ ક્રિકેટના એવા ખેલાડી રહ્યા છે, જેમણે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ શાંત સ્વભાવ અને મજબૂત બેટિંગથી ટીમને અનેક યાદગાર જીત અપાવી હતી. ખાસ કરીને 2020-21ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન નિયમિત કેપ્ટનના અભાવે તેમણે ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું અને ભારતને ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી જીત અપાવી હતી. તેની આ સિદ્ધિ ભારતીય ક્રિકેટના સુવર્ણ અધ્યાયોમાં હંમેશા યાદ રહેશે.

રહાણેએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 85 ટેસ્ટ મેચમાં 5,077 રન બનાવ્યા, જેમાં 12 સદી અને 26 અડધી સદીનો સમાવેશ થાય છે. ઉપરાંત તેણે 90 વન-ડે અને 20 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વિદેશી પિચો પર તેની ટેકનિક અને ધીરજભરી બેટિંગ માટે તેઓ ખાસ જાણીતા રહ્યા હતા.

નિવૃત્તિની જાહેરાત બાદ ક્રિકેટ જગતમાંથી રહાણેને શુભેચ્છાઓનો વરસાદ થયો છે. ઘણા પૂર્વ ક્રિકેટરો અને ચાહકોએ તેના યોગદાનને યાદ કરીને તેને ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ મેચ વિનર્સમાં સ્થાન આપ્યું છે. રહાણેએ પોતાના સંદેશમાં કહ્યું કે ભારત માટે રમવું તેના જીવનનો સૌથી મોટો ગૌરવ રહ્યો છે અને હવે યોગ્ય સમય આવી ગયો હોવાથી તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી રહ્યા છે.

જોકે રહાણેએ હજુ IPL અથવા અન્ય ટી-20 લીગ્સમાંથી નિવૃત્તિની જાહેરાત કરી નથી. તેથી એવી શક્યતા છે કે તેઓ ઘરેલું ક્રિકેટ અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં રમતા રહેશે. તેના આંતરરાષ્ટ્રીય કરિયરના અંત સાથે ભારતીય ક્રિકેટના એક યાદગાર યુગનો પણ અંત આવ્યો છે.

Exit mobile version