LATEST

સ્ટેડિયમમાં ફરી ગૂંજશે ‘થાલા’

ધોનીની વાપસી નજીક, આખું ચેન્નાઈ રાહ જોઈ રહ્યું છે: માઇકલ હસી

Mahendra Singh Dhoni ના ચાહકો માટે સારા સમાચાર છે. CSK ના બેટિંગ કોચ Michael Husseyએ ખુલાસો કર્યો છે કે ધોની પિંડળીની ઇજામાંથી ઝડપથી સાજા થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં મેદાન પર વાપસી કરી શકે છે.

44 વર્ષીય ધોનીને સીઝનની શરૂઆત પહેલાં પિંડળીમાં ઈજા થતાં તેઓ છેલ્લા ત્રણ અઠવાડિયાથી ટીમની બહાર છે. હાલ તેની રિકવરી પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, ખાસ કરીને વિકેટ વચ્ચે દોડવાની ઝડપ સુધારવા પર કામ થઈ રહ્યું છે.

માઇકલ હસીએ જણાવ્યું હતું કે, ‘અમને આશા છે કે ધોની જલ્દી વાપસી કરશે. તે આગામી મેચમાં રમશે કે ત્યારબાદ—તે હજી સ્પષ્ટ નથી, પરંતુ તેની રિકવરી સારી રીતે આગળ વધી રહી છે. તેની બેટિંગ અને વિકેટકીપિંગ અંગે કોઈ શંકા નથી, પરંતુ અંતિમ ઓવરોમાં ઝડપી દોડ માટે ફિટનેસ જરૂરી છે.’

તેણે વધુમાં કહ્યું કે મેદાન પર પાછા ફરવાનો અંતિમ નિર્ણય ધોની પોતે જ લેશે. ‘જ્યારે તેને પોતાની પિંડળી પર સંપૂર્ણ વિશ્વાસ આવશે, ત્યારે તેઓ રમવા માટે સંકેત આપશે. હાલ અમે તેની સૂચનાઓનું પાલન કરી રહ્યા છીએ. આખું ચેન્નાઈ તેની રાહ જોઈ રહ્યું છે,’ હસીએ ઉમેર્યું.

રસપ્રદ રીતે, ધોની મેચના દિવસોમાં ટીમના ડગઆઉટમાં જોવા મળતા નથી. હસીએ સમજાવ્યું કે ધોનીએ ટીમના અન્ય ખેલાડીઓનું ધ્યાન ન ભટકે તે માટે પોતે મેચના દિવસોમાં દૂર રહેવાનું પસંદ કર્યું છે. જોકે, તે પ્રેક્ટિસ દરમિયાન સતત હાજર રહે છે અને પોતાના અનુભવથી યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપે છે.

ધોનીની વાપસીની રાહ માત્ર ટીમ જ નહીં, પરંતુ સમગ્ર ચેન્નાઈ અને ક્રિકેટપ્રેમીઓ ઉત્સુકતાથી જોઈ રહ્યા છે.

Exit mobile version