શ્રીલંકા ક્રિકેટને એક વખત ફરી શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. અંડર-19 ટીમના બે યુવા ક્રિકેટરો પર ગંભીર આરોપો લાગ્યા છે કે તેઓ હોટેલમાં રોકાયેલી મહિલાઓના ગુપ્ત રીતે અશ્લીલ વિડિયો બનાવી રહ્યા હતા. આ મામલે પોલીસે બંનેને ધરપકડ કરી હતી, જોકે બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.
આ ઘટના કોલંબોના નારાહેનપિટા વિસ્તારમાં આવેલી એક હોટેલમાં બની હતી. ફરિયાદ મુજબ, કેટલીક મહિલાઓએ પોલીસને જણાવ્યું કે તેઓ બાથરૂમમાં નહાતી વખતે કોઈ અજાણ વ્યક્તિ મોબાઇલ ફોનથી તેમનો વિડિયો બનાવી રહ્યો હતો. મહિલાઓએ તરત જ આ બાબતની જાણ હોટેલ મેનેજમેન્ટ અને પોલીસને કરી, જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી.
પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં બંને યુવા ક્રિકેટરોની સંડોવણી સામે આવી. અધિકારીઓ હાલ તપાસ કરી રહ્યા છે કે બનાવવામાં આવેલા વિડિયો કોઈ ઑનલાઇન પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યા છે કે નહીં. બંને આરોપીઓને લગભગ 5 લાખ શ્રીલંકન રૂપિયા (અંદાજે 1,500 અમેરિકન ડોલર)ના વ્યક્તિગત જામીન પર છોડવામાં આવ્યા છે.
આ કેસની પ્રથમ સુનાવણી અલુથકેડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કરવામાં આવી હતી, જ્યાં આગામી સુનાવણી 25 મે માટે નિર્ધારિત કરવામાં આવી છે. આ દિવસે બંને આરોપીઓને ફરી કોર્ટમાં હાજર થવું પડશે.
હાલ સુધી શ્રીલંકા ક્રિકેટ બોર્ડ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં બોર્ડમાં આંતરિક ફેરફારો અને ઉથલપાથલ વચ્ચે આ ઘટના વધુ ચર્ચાનો વિષય બની છે. હવે જોવાનું રહ્યું કે બોર્ડ આ મામલે શું કડક કાર્યવાહી કરે છે, કારણ કે આ મુદ્દો ખૂબ જ ગંભીર માનવામાં આવી રહ્યો છે.
