આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ક્રિકેટને વધુ દેશો સુધી પહોંચાડવાના પોતાના પ્રયાસોમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સ્કોટલેન્ડના એડિનબર્ગમાં યોજાયેલી ICCની વાર્ષિક પરિષદ દરમિયાન મોરિશિયસને સત્તાવાર રીતે ICCના 111મા સભ્ય દેશ તરીકે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી આફ્રિકા ક્ષેત્રમાં ક્રિકેટના વિકાસને વધુ પ્રોત્સાહન મળશે અને મોરિશિયસને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવી તકો મળશે.
ICCની બેઠકમાં માત્ર નવા સભ્ય દેશને મંજૂરી આપવાનો નિર્ણય જ નહીં, પરંતુ ક્રિકેટના સંચાલન અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા. ગવર્નન્સ રિવ્યૂ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં BCCIના દેવજીત સૈકિયા, ક્રિકેટ સાઉથ આફ્રિકાના મહંમદ મૂસાજી અને સ્વતંત્ર સભ્ય રોસ રિવાઝનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી ICCના વહીવટી માળખાની સમીક્ષા કરશે.
આ ઉપરાંત ફ્રેન્ચાઇઝ લીગ્સ કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના તામિમ ઇકબાલની પસંદગી કરવામાં આવી છે. કમિટીમાં નમીબિયાના ડૉ. રૂડી વાન વુરેન, BCCIના દેવજીત સૈકિયા, ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના રિચર્ડ ગોલ્ડ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ટોડ ગ્રીનબર્ગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફ્રેન્ચાઇઝ ક્રિકેટના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને આ કમિટી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ICCએ બેઠક દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટને સહાયરૂપ થવા માટે 12.82 મિલિયન અમેરિકન ડોલરની લોન મંજૂર કરી છે. સાથે જ ક્રિકેટ કેનેડાની સસ્પેન્શન હટાવવા માટે જરૂરી શરતો પણ નક્કી કરવામાં આવી છે. આ શરતો પૂર્ણ થયા બાદ કેનેડાનું સસ્પેન્શન હટાવવામાં આવશે. ઉપરાંત શ્રીલંકા ક્રિકેટમાં થઈ રહેલી પ્રગતિ અંગે પણ બેઠકમાં સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ICCના આ નિર્ણયો દર્શાવે છે કે સંસ્થા માત્ર નવા દેશોમાં ક્રિકેટનો વિસ્તાર જ નહીં, પરંતુ રમતના સુશાસન, નાણાકીય સ્થિરતા અને વૈશ્વિક વિકાસને પણ સમાન પ્રાથમિકતા આપી રહી છે.
ICC take another step in cricket’s global expansion with Mauritius inducted as the 111th Member nation.
More from the Annual Conference in Edinburgh 📝https://t.co/f9jNKwmr9N
— ICC (@ICC) July 15, 2026
