ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વનડે બાદ ટીમ ઈન્ડિયાના યુવા ઝડપી બોલર ગુર્નૂર બ્રાર માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ બ્રારને આઈસીસી આચારસંહિતાના લેવલ-1ના ઉલ્લંઘન બદલ સત્તાવાર ચેતવણી આપી છે. સાથે જ તેના ખાતામાં એક ડીમેરિટ પોઇન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે.
આ ઘટના ઇંગ્લેન્ડની ઇનિંગ્સની આઠમી ઓવરમાં બની હતી. બ્રારની બોલિંગ પર બેન ડકેટે શોટ રમ્યા બાદ બોલ તેની તરફ પરત આવ્યો હતો. ત્યારબાદ બ્રારે બોલને ડકેટની દિશામાં જોરથી ફેંક્યો હતો. મેચ રેફરીએ આ હરકતને ખેલાડી તરફ અયોગ્ય અને જોખમી રીતે બોલ ફેંકવાની શ્રેણીમાં ગણાવી હતી, જે ICCના આચારસંહિતાના આર્ટિકલ 2.9નું ઉલ્લંઘન માનવામાં આવે છે.
બ્રારે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી, જેના કારણે ઔપચારિક સુનાવણીની જરૂર પડી નહોતી. ICC દ્વારા તેને સત્તાવાર ચેતવણી આપવામાં આવી અને એક ડીમેરિટ પોઇન્ટ નોંધાયો. જો કોઈ ખેલાડી 24 મહિનાના ગાળામાં વધુ ડીમેરિટ પોઇન્ટ એકત્ર કરે તો તેના પર સસ્પેન્શન જેવી કડક કાર્યવાહી પણ થઈ શકે છે.
જોકે આ શિસ્તભંગની ઘટના વચ્ચે બ્રારે મેદાન પર પોતાના પ્રદર્શનથી પણ અસર છોડી હતી. તેણે ઇંગ્લેન્ડના બંને ઓપનરોને આઉટ કરીને ભારત શાનદાર શરૂઆત અપાવી હતી. તેની બોલિંગે મેચનું વલણ ભારત તરફ ફેરવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડેમાં જીત મેળવી શ્રેણીમાં 1-0ની સરસાઈ પણ મેળવી હતી.
હવે તમામની નજર બીજી વનડે પર રહેશે. બ્રારને મળેલી ચેતવણી બાદ તેઓ મેદાન પર વધુ સંયમ સાથે રમે તેવી અપેક્ષા છે, જ્યારે ટીમ ઈન્ડિયા શ્રેણી જીતવાના ઇરાદા સાથે આગામી મુકાબલામાં ઉતરશે.
Gurnoor Brar has been given a warning for breaching ICC’s Code of Conduct during the 1st ODI vs England.
One demerit point has been added to the fast bowler’s disciplinary record.#ENGvIND pic.twitter.com/I8ESlCeNiW
— Cricbuzz (@cricbuzz) July 16, 2026
