LATEST

500+ રનની ક્લબમાં માત્ર પાંચ બેટ્સમેન

IPL 2026 હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે અને ઓરેન્જ કેપની રેસ દિવસેને દિવસે વધુ રોમાંચક બની રહી છે. અત્યાર સુધી માત્ર પાંચ બેટ્સમેન જ 500થી વધુ રન બનાવવામાં સફળ રહ્યા છે અને ખાસ વાત એ છે કે ટોપ-2 સ્થાને ગુજરાત ટાઇટન્સના જ ખેલાડીઓનો કબજો છે. ટીમના ઓપનર સાઈ સુદર્શન હાલ સૌથી વધુ રન સાથે ઓરેન્જ કેપ ધારક બન્યા છે.

સાઈ સુદર્શને અત્યાર સુધી 13 મેચમાં 554 રન બનાવ્યા છે અને તે શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા છે. તેની પાછળ ટીમના કેપ્ટન શુભમન ગિલ છે, જેણે 12 મેચમાં 552 રન નોંધાવ્યા છે. સીઝનની શરૂઆતમાં બંને બેટ્સમેન ખાસ અસર છોડી શક્યા નહોતાં, પરંતુ બાદમાં સતત મોટી ઇનિંગ્સ રમીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી છે. ગુજરાત ટાઇટન્સ હાલમાં પોઇન્ટ્સ ટેબલમાં ટોચની ટીમોમાં સામેલ છે અને પ્લેઓફ માટે મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે.

ઓરેન્જ કેપની યાદીમાં ત્રીજા સ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના વિરાટ કોહલી છે. વિરાટે 13 મેચમાં 542 રન બનાવ્યા છે. દિલ્હી કેપિટલ્સના કે.એલ. રાહુલ 533 રન સાથે ચોથા સ્થાને છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદના હેનરિક ક્લાસેન 508 રન સાથે પાંચમા નંબરે છે. ક્લાસેન આ યાદીમાં એકમાત્ર એવા બેટ્સમેન છે જે ઓપનિંગ કરતા નથી અને અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર વિદેશી ખેલાડી પણ છે.

રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશી અને સનરાઇઝર્સ હૈદરાબાદના અભિષેક શર્મા ટોપ-5માંથી બહાર થઈ ગયા છે. વૈભવે 486 અને અભિષેકે 481 રન બનાવ્યા છે. જોકે હજુ થોડા મેચ બાકી છે, તેથી એક મોટી ઇનિંગ્સ આખી રેસનું સમીકરણ બદલી શકે છે. હવે ચાહકોની નજર એ પર છે કે IPL 2026ની ઓરેન્જ કેપ આખરે કયા બેટ્સમેનના માથે સજશે.

Exit mobile version