LATEST

જ્યારે ટીમના માલિકો જ ભ્રષ્ટાચારમાં ફસાયા

લંકા પ્રીમિયર લીગ (LPL)માં જાફના કિંગ્સના સહ-માલિક અને ભારતના પૂર્વ અંડર-19 ક્રિકેટર મનજોત કાલરાની ધરપકડ બાદ ફરી એકવાર ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. મનજોત કાલરા પર ખેલાડીઓને લાંચ આપીને મેચ ફિક્સિંગ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. જોકે તેણે તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. આ ઘટના બાદ ક્રિકેટ જગતમાં એવા અનેક કિસ્સાઓ ફરી યાદ કરવામાં આવી રહ્યા છે, જેમાં ટીમના માલિકો અથવા અધિકારીઓ કાયદાના ચક્રવ્યૂહમાં ફસાયા હતા.

આ યાદીમાં સૌથી ચર્ચિત નામ IPLની રાજસ્થાન રોયલ્સના પૂર્વ સહ-માલિક રાજ કુન્દ્રાનું છે. 2013ની IPL દરમિયાન તેમની સામે સટ્ટાબાજીના આરોપો લાગ્યા હતા. ત્યારબાદ BCCIએ તેમના પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો અને રાજસ્થાન રોયલ્સને બે સીઝન માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી.

તે જ વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલા ગુરુનાથ મૈયપ્પન પણ સટ્ટાબાજી અને ટીમની આંતરિક માહિતી લીક કરવાના આરોપોમાં ઘેરાયા હતા. આ કેસ બાદ તેને ક્રિકેટ વહીવટમાંથી આજીવન પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા અને CSKને પણ બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી.

LPLમાં જ દંબુલા થન્ડર્સના માલિક તમીમ રહમાન સામે ખેલાડીઓને ફિક્સિંગ માટે પ્રલોભન આપવાના આરોપો સાબિત થયા હતા. શ્રીલંકાના ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ તેને ચાર વર્ષની સસ્પેન્ડેડ જેલની સજા અને દંડ ફટકારવામાં આવ્યો હતો.

બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં દરબાર રાજશાહીના માલિક શફીક રહમાન ખેલાડીઓને કરાર મુજબ ચૂકવણી ન કરવાના વિવાદમાં ફસાયા હતા. વિદેશી અને સ્થાનિક ખેલાડીઓએ વિરોધ નોંધાવતા આખો મામલો પોલીસ સુધી પહોંચ્યો અને અંતે તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ સિવાય સ્ટેનફોર્ડ સુપર સિરીઝના આયોજક એલન સ્ટેનફોર્ડનું નામ પણ સૌથી મોટા કૌભાંડોમાં ગણાય છે. કરોડો ડોલરની પોન્ઝી સ્કીમ ચલાવવાના આરોપમાં FBIએ તેમની ધરપકડ કરી હતી અને બાદમાં અદાલતે તેને 110 વર્ષની જેલની સજા ફટકારી હતી.

મનજોત કાલરાનો કેસ હજુ તપાસ હેઠળ છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં પારદર્શિતા, જવાબદારી અને ભ્રષ્ટાચાર વિરોધી કડક વ્યવસ્થાની જરૂરિયાત પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Exit mobile version