ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર જો ડેનલીએ 2026ની સિઝન પૂર્ણ થયા બાદ વ્યાવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 40 વર્ષીય ડેનલી લગભગ 22 વર્ષ સુધી વ્યાવસાયિક ક્રિકેટ રમ્યા બાદ હવે પોતાની લાંબી અને યાદગાર કારકિર્દીને અલવિદા કહેશે. તેના નિર્ણયથી ઇંગ્લેન્ડ તેમજ કેન્ટ કાઉન્ટી ક્રિકેટમાં એક યુગનો અંત આવતો જોવા મળી રહ્યો છે.
જો ડેનલીએ 2004માં કેન્ટ તરફથી પોતાની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે સતત શાનદાર પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન બનાવ્યું. તેણે 2009માં આયર્લેન્ડ સામે વન-ડે દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. બાદમાં તેઓ ટેસ્ટ, વન-ડે અને ટી20 – ત્રણેય ફોર્મેટમાં ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળ્યા હતા. તેનો છેલ્લો આંતરરાષ્ટ્રીય મુકાબલો 2020માં ઓસ્ટ્રેલિયા સામેની ટી20 મેચ રહ્યો હતો.
ડેનલીએ પોતાના નિવૃત્તિ સંદેશમાં કહ્યું કે ક્રિકેટે તેને કલ્પના કરતાં પણ વધારે આપ્યું છે. કેન્ટ તરફથી ડેબ્યૂ કરવાથી લઈને ઇંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા સુધીની દરેક ક્ષણ તેના માટે ગૌરવપૂર્ણ રહી છે. તેણે પોતાના પરિવાર, સાથી ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ અને ચાહકોનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જો ડેનલીએ કુલ 15 ટેસ્ટ, 16 વન-ડે અને 13 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જોકે તેનું ઘરેલું ક્રિકેટ કરિયર વધુ સફળ રહ્યું. કેન્ટ માટે તેઓ સૌથી વધુ ટી20 રન બનાવનાર ખેલાડી તરીકે ઓળખાય છે અને ટીમને અનેક મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ જીતાડવામાં પણ તેની મહત્વની ભૂમિકા રહી હતી.
ડેનલીની નિવૃત્તિ સાથે ઇંગ્લિશ ક્રિકેટના એક અનુભવી અને વિશ્વસનીય બેટરના લાંબા પ્રવાસનો અંત આવશે. તેના યોગદાનને ચાહકો અને ક્રિકેટ જગત લાંબા સમય સુધી યાદ રાખશે.

