ODIS

સહેવાગ અને દ્રવિડના દીકરાઓની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી

ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓ વિરરેન્દ્ર સહેવાગ અને રાહુલ દ્રવિડના પુત્રો હવે ટીમ ઈન્ડિયાની જુનિયર ટીમમાં સાથે જોવા મળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઓસ્ટ્રેલિયા U-19 સામેની આગામી સિરીઝ માટે ભારતની U-19 ટીમની જાહેરાત કરી છે, જેમાં આર્યવીર સહેવાગ અને અન્વય દ્રવિડને સ્થાન મળ્યું છે. બંને ખેલાડીઓ ત્રણ મેચની વનડે સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યા છે.

18 વર્ષીય આર્યવીર સહેવાગ માટે આ પ્રથમ વખત છે જ્યારે તેને ભારતની U-19 ટીમમાં સ્થાન મળ્યું છે. તે હાલમાં દિલ્હી પ્રીમિયર લીગમાં વેસ્ટ દિલ્હી લાયન્સ તરફથી રમી રહ્યો છે. આર્યવીર લેગ સ્પિન ઓલરાઉન્ડર તરીકે પણ પોતાની ઓળખ બનાવી રહ્યો છે અને હવે ઓસ્ટ્રેલિયા સામેની આંતરરાષ્ટ્રીય જુનિયર સિરીઝમાં પોતાનું પ્રતિભા પ્રદર્શન કરવાની તેની પાસે મોટી તક રહેશે.

બીજી તરફ, રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડે U-19 ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. વિકેટકીપર-બેટર અન્વયે તાજેતરમાં શ્રીલંકા પ્રવાસ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બે યુથ વનડેમાં 14 અને 87 રનની ઇનિંગ્સ રમી હતી. હવે તે ઓસ્ટ્રેલિયા સામે પણ ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવવા તૈયાર છે.

ઓસ્ટ્રેલિયા U-19ની ભારત મુલાકાતની શરૂઆત ત્રણ વનડે મેચથી થશે. પ્રથમ મેચ 18 સપ્ટેમ્બરે, બીજી 21 સપ્ટેમ્બરે અને ત્રીજી 23 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે. આ પછી બે મલ્ટી-ડે મેચ યોજાશે, જેમાં બીજી મેચ અમદાવાદમાં રમાશે. વનડે ટીમની કમાન લક્ષ્ય રાયચંદાનીને સોંપવામાં આવી છે, જ્યારે યશવર્ધન ચૌહાણ ઉપકપ્તાન રહેશે.

આ પસંદગી સાથે સહેવાગ અને દ્રવિડની ક્રિકેટ વારસાની નવી પેઢી પર સૌની નજર રહેશે. જોકે બંને યુવા ખેલાડીઓ માટે સૌથી મોટો પડકાર પોતાના પિતાની ઓળખથી અલગ પોતાની રમતના આધારે સ્થાન બનાવવાનો રહેશે.

Exit mobile version