ODIS

એન્ડ્રુ ફ્લિન્ટોફના પુત્ર રોકીએ મચાવ્યો ધમાલ

ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર એન્ડ્રુ ફ્લિન્ટોફના 18 વર્ષીય પુત્ર રોકી ફ્લિન્ટોફે પોતાની શાનદાર બેટિંગથી ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે. સમરસેટ સામે વન-ડે કપના મુકાબલામાં લંકાશાયર તરફથી રમતા રોકીએ પોતાના સિનિયર પ્રોફેશનલ કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. તેણે માત્ર 76 બોલમાં 123 રનની તોફાની ઇનિંગ રમી હતી.

રોકીની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થયો હતો. તેણે માત્ર 65 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ખાસ વાત એ રહી કે તેની આક્રમક બેટિંગમાં તેના પિતા એન્ડ્રુ ફ્લિન્ટોફની ઝલક જોવા મળી હતી. મિડ-વિકેટની ઉપરથી મારેલા તેના કેટલાક શોટ્સે દર્શકોને ફ્લિન્ટોફના જૂના દિવસોની યાદ અપાવી હતી.

ચોથા ક્રમે બેટિંગ કરવા આવેલા રોકીએ લંકાશાયરના કેપ્ટન કીટન જેનિંગ્સ સાથે મળીને 214 રનની શાનદાર ભાગીદારી કરી. જેનિંગ્સે પણ 156 રનની મોટી ઇનિંગ રમી. બંનેની ભાગીદારીના કારણે લંકાશાયરે 50 ઓવરમાં 6 વિકેટે 443 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જે ટીમનો લિસ્ટ-એ ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર રહ્યો.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સમરસેટની ટીમ 269 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. લંકાશાયર તરફથી જ્યોર્જ બાલ્ડરસન અને ટોમ એસ્પિનવોલે ચાર-ચાર વિકેટ ઝડપી. આ સાથે લંકાશાયરે 174 રનની શાનદાર જીત મેળવી અને ગ્રુપ-એમાં બીજા સ્થાને રહીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવ્યું. હવે ટીમનો સામનો ડરહામ સામે થશે.

રોકી અગાઉ પણ પોતાની પ્રતિભાનો પરચો આપી ચૂક્યો છે. 2024માં માત્ર 16 વર્ષ અને 113 દિવસની ઉંમરે તે લંકાશાયર માટે રમનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. જાન્યુઆરી 2025માં તેણે ઈંગ્લેન્ડ લાયન્સ માટે સદી ફટકારીને પોતાના પિતા એન્ડ્રુ ફ્લિન્ટોફનો યુવા સદીનો રેકોર્ડ પણ તોડ્યો હતો. હવે 123 રનની આ વિસ્ફોટક સદી સાથે રોકીએ પોતાની અલગ ઓળખ બનાવવાની દિશામાં વધુ એક મોટું પગલું ભર્યું છે.

Exit mobile version