ODIS

ઈજાથી પરેશાન હાર્દિક પંડ્યા પર BCCIની નજર

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે જૂન મહિનામાં રમાનારી ત્રણ મેચોની ODI સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને મહત્વપૂર્ણ ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. BCCI દ્વારા પસંદ કરાયેલી ODI ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ તેની પસંદગી સંપૂર્ણપણે ફિટનેસ ક્લિયરન્સ પર આધારિત છે. તે માટે હાર્દિક 2 જૂનના રોજ બેંગલુરુ સ્થિત BCCIના Centre of Excellence (CoE) ખાતે પહોંચશે.

અહેવાલો અનુસાર હાર્દિક લગભગ એક સપ્તાહથી દસ દિવસ સુધી CoEમાં રહેશે, જ્યાં તેની ફિટનેસ, વર્કલોડ મેનેજમેન્ટ અને મેચ માટેની તૈયારીનું મૂલ્યાંકન કરવામાં આવશે. તમામ ફરજિયાત પરીક્ષણોમાં સફળ થયા બાદ જ તેને અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝમાં રમવા માટે અંતિમ મંજૂરી મળશે.

IPL 2026 દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે રમતાં હાર્દિક પંડ્યા પીઠના દુખાવા અને બેક સ્પાઝમ્સની સમસ્યાથી પરેશાન રહ્યા હતા. આ કારણે તેઓ દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની કેટલીક મહત્વપૂર્ણ મેચોમાં રમી શક્યા નહોતા. જોકે સિઝનના અંતમાં તેણે પુનરાગમન કર્યું હતું.

BCCIએ અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝ માટે ટીમ જાહેર કરતી વખતે સ્પષ્ટ કર્યું હતું કે હાર્દિક પંડ્યા અને રોહિત શર્માની ઉપલબ્ધતા ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર રહેશે. આ સિરીઝ 14 જૂનથી શરૂ થવાની છે અને 2027 ODI વર્લ્ડ કપની તૈયારીના દૃષ્ટિકોણથી ભારતીય ટીમ માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે રાહતની વાત એ રહેશે કે જો હાર્દિક સંપૂર્ણ ફિટ થઈને પરત ફરશે તો મધ્યક્રમ અને ઓલરાઉન્ડ વિભાગને મોટી મજબૂતી મળશે. હવે તમામની નજર CoEમાં થનારી તેની ફિટનેસ પરીક્ષાના પરિણામ પર ટકેલી છે.

Exit mobile version