ODIS

હાર્દિક પંડ્યાના કરિયર પર સંકટના વાદળ!

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માટે છેલ્લા કેટલાક મહિના પડકારોથી ભરેલા રહ્યા છે. તાજેતરમાં અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝમાંથી ઈજાના કારણે બહાર થયા બાદ હવે તેને આયરલેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે પણ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. આ નિર્ણય બાદ ક્રિકેટ જગતમાં હાર્દિકના આંતરરાષ્ટ્રીય કરિયરને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

અહેવાલો મુજબ હાર્દિક પંડ્યા BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં ટ્રેનિંગ દરમિયાન ક્વાડ્રિસેપ્સ સ્ટ્રેનનો ભોગ બન્યા હતા. શરૂઆતમાં તેઓ ફિટ જાહેર થયા હોવાના અહેવાલો હતા, પરંતુ અંતિમ ટ્રેનિંગ સેશન દરમિયાન ફરી તકલીફ થતાં તેને અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચોની ODI સિરીઝમાંથી બહાર થવું પડ્યું હતું.

બીજી તરફ, BCCIએ આયરલેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે જાહેર કરેલી T20 ટીમમાં પણ હાર્દિકનું નામ સામેલ કર્યું નથી. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરના નેતૃત્વ હેઠળ લેવામાં આવેલા આ નિર્ણયે સૌને ચોંકાવી દીધા છે. ટીમમાં અનેક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જ્યારે હાર્દિક જેવા અનુભવી ખેલાડીને બહાર રાખવામાં આવ્યો છે.

IPL 2026 પણ હાર્દિક માટે ખાસ સફળ રહ્યો નહોતો. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે તેની ટીમ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નહોતી અને વ્યક્તિગત રીતે પણ તેઓ બેટ અને બોલ બંનેમાં અસરકારક દેખાયા નહોતા. આવી સ્થિતિમાં ઈજા અને ખરાબ ફોર્મ બંને તેના માટે ચિંતાનો વિષય બની ગયા છે.

હવે તમામની નજર હાર્દિકની ફિટનેસ અને કમબેક પર છે. જો તેઓ ઝડપથી સંપૂર્ણ સ્વસ્થ થઈને મેદાનમાં વાપસી કરશે તો જ ટીમ ઇન્ડિયામાં પોતાનું સ્થાન ફરી મજબૂત બનાવી શકશે. આગામી મહિનાઓ હાર્દિક પંડ્યાના કરિયર માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાના છે.

Exit mobile version