ODIS

24 વર્ષ બાદ આફ્રિકામાં ક્રિકેટ વર્લ્ડ કપની વાપસી

ICCએ 2027માં યોજાનારા મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ માટે સત્તાવાર રીતે નવા બ્રાન્ડ લોગો અને થીમનું અનાવરણ કર્યું છે. 24 વર્ષ બાદ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ ફરી એકવાર આફ્રિકા પરત ફરી રહી છે. 2027નો વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા સંયુક્ત રીતે આયોજિત કરશે. આ સાથે ICCએ ટૂર્નામેન્ટ માટે 12 યજમાન શહેરોની પણ જાહેરાત કરી છે.

આ વર્લ્ડ કપની થીમ “Make the Circle Bigger” રાખવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ ક્રિકેટ દ્વારા વધુ લોકોને જોડવાનો અને વિવિધ સંસ્કૃતિઓને એક મંચ પર લાવવાનો છે. ટૂર્નામેન્ટનું સત્તાવાર બ્રાન્ડિંગ “Three Nations, One Heartbeat” પર આધારિત છે, જ્યારે આફ્રિકાની પ્રખ્યાત ‘Ubuntu’ ફિલસૂફીને પણ તેમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેનો અર્થ છે કે એકતા, સહકાર અને માનવતા દ્વારા સૌ સાથે આગળ વધવું.

નવી લોગો ડિઝાઇન આફ્રિકન પરંપરાગત વાયર બાસ્કેટથી પ્રેરિત છે. તેમાં આફ્રિકાની સંસ્કૃતિ અને પ્રાકૃતિક વૈવિધ્ય દર્શાવતા અનેક રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ત્રણેય યજમાન દેશોની ઓળખને પ્રતિબિંબિત કરે છે.

ICCના અધ્યક્ષ જય શાહે જણાવ્યું કે આ વર્લ્ડ કપનું બ્રાન્ડ લોન્ચ થવું ટૂર્નામેન્ટ તરફનું મહત્વપૂર્ણ પગલું છે. તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓને યાદગાર અનુભવ આપશે. ICCના CEO સંજોગ ગુપ્તાએ પણ જણાવ્યું કે આ ટૂર્નામેન્ટ માત્ર ક્રિકેટ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર આફ્રિકાની સંસ્કૃતિ, આતિથ્ય અને વૈવિધ્યનો વૈશ્વિક ઉત્સવ બનશે.

2027ના વર્લ્ડ કપમાં કુલ 14 ટીમો ભાગ લેશે અને નવી ત્રણ-તબક્કાની સ્પર્ધાત્મક ફોર્મેટ હેઠળ કુલ 57 મેચ રમાશે. આ ટૂર્નામેન્ટમાં વધુ રોમાંચક મુકાબલા જોવા મળશે અને ક્રિકેટના વૈશ્વિક વિસ્તરણને નવી દિશા મળશે. 24 વર્ષ બાદ આફ્રિકામાં યોજાનારો આ વર્લ્ડ કપ ક્રિકેટપ્રેમીઓ માટે ઐતિહાસિક અને ખાસ બનવાનો છે.

Exit mobile version