ODIS

ટીમ ઇન્ડિયામાં બે નવા તોફાની પેસરોની એન્ટ્રી

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 14 જૂનથી 3 મેચોની વનડે સિરીઝ રમાવાની છે. આ સિરીઝ માટે BCCIએ 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે, જ્યારે અનુભવી ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ સ્ક્વાડમાં સામેલ છે. લાંબા સમય બાદ વિકેટકીપર બેટર ઈશાન કિશનની પણ ટીમ ઇન્ડિયામાં વાપસી થઈ છે.

આ સિરીઝ માટે સૌથી વધારે ચર્ચા બે નવા ચહેરાઓની થઈ રહી છે. ઝડપી બોલર પ્રિન્સ યાદવ અને ગુરનૂર બરારને પ્રથમવાર ભારતીય વનડે ટીમમાં સ્થાન મળ્યું છે. બંને ખેલાડીઓએ છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ ક્રિકેટ અને IPLમાં શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું.

24 વર્ષીય પ્રિન્સ યાદવ દિલ્હીના રહેવાસી છે. IPL 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમતા તેમણે 12 મેચમાં 16 વિકેટ લઈને બધાને પ્રભાવિત કર્યા હતા. IPL 2025માં તેણે LSG માટે ડેબ્યુ કર્યું હતું, પરંતુ આ સીઝનમાં તેણે પોતાની બોલિંગથી અલગ ઓળખ બનાવી. 2024ની દિલ્હી પ્રીમિયર લીગમાં પણ પ્રિન્સે 13 વિકેટ લઈને ચર્ચા જગાવી હતી.

બીજી તરફ 25 વર્ષીય ગુરનૂર બરાર પંજાબના છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત અસરકારક પ્રદર્શન બાદ હવે તેને ટીમ ઇન્ડિયામાં તક મળી છે. ગુરનૂરે અત્યાર સુધી 18 ફર્સ્ટ ક્લાસ મેચમાં 52 વિકેટ ઝડપી છે, જ્યારે લિસ્ટ-Aમાં 12 અને T20 ક્રિકેટમાં 10 વિકેટ પોતાના નામે કરી છે. તે IPL 2023માં પંજાબ કિંગ્સ માટે એક મેચ પણ રમી ચૂક્યા છે.

અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં આ બંને યુવા પેસરો પર ખાસ નજર રહેશે, કારણ કે તે પોતાની ઝડપ અને સ્વિંગથી ભારતીય ટીમ માટે નવા હથિયાર સાબિત થઈ શકે છે.

Exit mobile version