ODIS

શુભમન ગિલની ઈજાથી ચાહકોમાં ચિંતા

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વનડે દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલને લઈને ચાહકોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું. 259 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ગિલ શાનદાર બેટિંગ કરી રહ્યા હતા અને 75 બોલમાં 80 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. જોકે, ઇનિંગ્સ દરમિયાન તેમને પગમાં ખેંચાણ (ક્રેમ્પ્સ) અનુભવાતા મેદાન છોડવું પડ્યું હતું. જેના કારણે આગામી વનડેમાં તેની ઉપલબ્ધતા અંગે સવાલો ઊભા થયા હતા.

જોકે હવે ભારતીય ટીમ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર શુભમન ગિલની ઈજા ગંભીર નથી અને તેને માત્ર ક્રેમ્પ્સની સમસ્યા થઈ હતી. ટીમ મેનેજમેન્ટ તેની ફિટનેસ પર સતત નજર રાખી રહ્યું છે અને તેઓ બીજી વનડે પહેલાં સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગિલે પ્રથમ વનડેમાં કેપ્ટનની જવાબદારી નિભાવતાં શાનદાર બેટિંગ કરી હતી. તેની ઇનિંગ્સના આધારે ભારતે મજબૂત શરૂઆત મેળવી અને બાદમાં મધ્યક્રમના બેટ્સમેનોએ ટીમને જીત સુધી પહોંચાડી. ભારતે આ મુકાબલો છ વિકેટે જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી હતી.

ભારતીય ટીમ માટે શુભમન ગિલનું ફિટ રહેવું ખૂબ મહત્વનું છે, કારણ કે તેઓ માત્ર કેપ્ટન જ નહીં પરંતુ ટોચના ક્રમના સૌથી વિશ્વસનીય બેટ્સમેન પણ છે. જો તેઓ સંપૂર્ણ ફિટ રહેશે તો બીજી વનડેમાં તેના રમવાની સંભાવના ખૂબ જ વધારે છે. જોકે અંતિમ નિર્ણય મેચ પહેલાં ટીમના મેડિકલ સ્ટાફની તપાસ બાદ લેવામાં આવશે.

ભારતીય ચાહકો હવે આશા રાખી રહ્યા છે કે ગિલ ઝડપથી સંપૂર્ણ ફિટ થઈ બીજી વનડેમાં મેદાન પર ઉતરશે અને ટીમ ઈન્ડિયાને શ્રેણી જીત તરફ વધુ એક પગલું આગળ વધારશે.

Exit mobile version