ODIS

2027 વર્લ્ડ કપમાં રોહિત શર્માને ન પસંદ કરું

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓપનર રોહિત શર્માને લઈને પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે ફરી એક વખત ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે જો આજે 2027ના વનડે વર્લ્ડ કપ માટે ટીમ પસંદ કરવાની હોય તો રોહિત શર્મા તેની પ્રથમ પસંદગી નહીં બને. માંજરેકરના આ નિવેદન બાદ ક્રિકેટ જગતમાં નવી ચર્ચા શરૂ થઈ છે.

માંજરેકરે સ્પષ્ટ કર્યું કે તેઓ વ્યક્તિગત રીતે રોહિતનો વિરોધ કરતા નથી. તેના મતે જો પસંદગીકારોએ રોહિતને ટીમમાં સ્થાન આપ્યું હોય તો તેનું કારણ એ હોવું જોઈએ કે તેઓ ખરેખર માને છે કે રોહિત 2027ના વર્લ્ડ કપ સુધી ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. પરંતુ માત્ર મોટા નામ અથવા ભૂતકાળની સિદ્ધિઓના આધારે પસંદગી ન થવી જોઈએ.

તેણે વધુમાં કહ્યું કે ભારતીય ક્રિકેટમાં પસંદગી હંમેશા ટીમના હિતને ધ્યાનમાં રાખીને થવી જોઈએ, કોઈ એક ખેલાડીના હિતને નહીં. તેના મતે ભવિષ્યને ધ્યાનમાં રાખીને યુવા ખેલાડીઓને તક આપવી પણ એટલી જ જરૂરી છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓને મર્યાદિત તક મળવાના મુદ્દે પણ ચર્ચા ચાલી રહી છે.

જોકે બીજી તરફ ઘણા પૂર્વ ક્રિકેટરો અને ચાહકોનું માનવું છે કે રોહિત શર્માનો અનુભવ ભારત માટે હજુ પણ અમૂલ્ય છે અને જો તેની ફિટનેસ તથા ફોર્મ જળવાઈ રહેશે તો તેઓ 2027ના વર્લ્ડ કપ સુધી ટીમનો મહત્વનો ભાગ બની શકે છે. થોડા દિવસો પહેલાં પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રોહિત અને વિરાટ કોહલી બંને 2027નો વર્લ્ડ કપ રમી શકે છે.

હાલમાં માંજરેકરના નિવેદને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જગાવી છે. કેટલાક લોકો તેના વિચારોને યોગ્ય ગણાવી રહ્યા છે તો કેટલાકનું માનવું છે કે રોહિત જેવા અનુભવી ખેલાડી અંગે આટલું વહેલું નિષ્કર્ષ કાઢવું યોગ્ય નથી. હવે આગામી સમયમાં રોહિતનું પ્રદર્શન જ આ ચર્ચાનો સૌથી મોટો જવાબ આપશે.

Exit mobile version