ODIS

અમ્પાયરના નિર્ણય સામે નારાજગી ઓમરઝાઈને પડી ભારે

અફઘાનિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર અજમતુલ્લાહ ઓમરઝાઈને આયર્લેન્ડ સામેની બીજી વનડેમાં અમ્પાયરના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરવી ભારે પડી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ઓમરઝાઈને આચારસંહિતાના ઉલ્લંઘન બદલ સત્તાવાર ફટકાર લગાવી છે અને તેમના શિસ્તભંગના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેર્યો છે. આ છેલ્લા 24 મહિનામાં ઓમરઝાઈનો પ્રથમ ગુનો છે.

આ ઘટના અફઘાનિસ્તાનની ઇનિંગ્સની 41મી ઓવરમાં બની હતી. અમ્પાયરે ઓમરઝાઈને આઉટ જાહેર કર્યા બાદ તેઓ તરત જ મેદાન છોડીને પેવેલિયન પરત ફર્યા નહોતા. તેઓ થોડો સમય ક્રીઝ પર ઊભા રહ્યા હતા અને ઈશારા દ્વારા અમ્પાયરના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. આ વર્તનને ICCના નિયમો વિરુદ્ધ માનવામાં આવ્યું હતું.

ઓમરઝાઈ પર ICC આચારસંહિતાની કલમ 2.8 હેઠળ લેવલ-1ના ઉલ્લંઘનનો આરોપ મૂકાયો હતો. આ કલમ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણય સામે અસંમતિ અથવા અસંતોષ દર્શાવવા સાથે સંબંધિત છે. મેદાની અમ્પાયર ગેરેથ મોરિસન અને રોલી બ્લેક ઉપરાંત થર્ડ અમ્પાયર જોની કેનેડી અને ફોર્થ અમ્પાયર જ્યોર્જ બ્રોલીએ આ મામલો નોંધ્યો હતો.

ICCના જણાવ્યા અનુસાર, મેચ રેફરી ડીન કોસ્કરે સજા સૂચવી હતી, જેને ઓમરઝાઈએ પોતાની ભૂલ સ્વીકારીને મંજૂર કરી હતી. તેથી આ મામલે કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર પડી નહોતી.

ICCના લેવલ-1ના નિયમો મુજબ ખેલાડીને સત્તાવાર ચેતવણી, મહત્તમ 50 ટકા મેચ ફીનો દંડ અને 1 અથવા 2 ડિમેરિટ પોઈન્ટ મળી શકે છે. જો કોઈ ખેલાડી 24 મહિનામાં ચાર કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ મેળવે, તો તે સસ્પેન્શન પોઈન્ટ્સમાં ફેરવાઈ શકે છે અને ખેલાડી પર પ્રતિબંધ પણ લાગી શકે છે.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે અફઘાનિસ્તાનની ટીમ આયર્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. બીજી વનડેમાં અફઘાનિસ્તાને આયર્લેન્ડને 92 રને હરાવ્યું હતું, જેમાં રાશિદ ખાને છ વિકેટ ઝડપી હતી.

Exit mobile version