ODIS

ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રણ વખત થઈ શકે છે ટક્કર

આઈસીસીએ 2027ના વનડે વર્લ્ડ કપ માટે નવા ફોર્મેટની જાહેરાત કર્યા બાદ ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. નવા ફોર્મેટ અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે એક નહીં પરંતુ વધુમાં વધુ ત્રણ વખત મુકાબલો થવાની શક્યતા ઊભી થઈ છે. આ ફેરફારને કારણે વિશ્વ ક્રિકેટના સૌથી મોટા હરીફાઈભર્યા મુકાબલાને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

2027નો વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની સંયુક્ત યજમાનીમાં રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ 14 ટીમો ભાગ લેશે. સૌથી પહેલા નીચલા ક્રમાંકની ત્રણ ટીમો વચ્ચે ‘સુપર સિરીઝ’ રમાશે, જેમાંથી એક ટીમ મુખ્ય રાઉન્ડમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 12 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે અને દરેક ગ્રુપમાંથી ટોચની ત્રણ ટીમો ઉપરાંત બંને ગ્રુપમાંથી સર્વશ્રેષ્ઠ ચોથી ટીમ ‘સુપર 7’ તબક્કામાં પહોંચશે.

જો ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હશે તો પ્રથમ મુકાબલો ગ્રુપ સ્ટેજમાં થશે. ત્યારબાદ બંને ટીમો ‘સુપર 7’માં પહોંચશે તો ફરી એક વખત આમને-સામને આવી શકે છે. જો બંને ટીમો શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલ સુધી પહોંચે, તો ત્રીજી વખત પણ તેમની વચ્ચે મહામુકાબલો જોવા મળી શકે છે. જોકે જો બંને અલગ-અલગ ગ્રુપમાં હશે, તો મહત્તમ બે મેચ જ શક્ય બનશે.

આઈસીસીનું કહેવું છે કે નવા ફોર્મેટથી ટૂર્નામેન્ટ વધુ સ્પર્ધાત્મક બનશે અને ચાહકોને વધુ રોમાંચક મેચો જોવા મળશે. જોકે કેટલાક ક્રિકેટ વિશ્લેષકોનું માનવું છે કે આ ફોર્મેટથી ભારત-પાકિસ્તાન જેવી હાઈ-પ્રોફાઇલ મેચોની સંખ્યા વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે 2027ના વર્લ્ડ કપમાં બંને પરંપરાગત હરીફો વચ્ચે ખરેખર ત્રણ મુકાબલા થાય છે કે નહીં, તેના પર સમગ્ર ક્રિકેટ જગતની નજર રહેશે.

Exit mobile version