ODIS

ભારતમાં જન્મેલા ખેલાડીનો ઓસ્ટ્રેલિયન ટીમમાં પ્રવેશ

ભારતમાં જન્મેલા અને હાલમાં ઓસ્ટ્રેલિયાના ઘરેલુ ક્રિકેટમાં ધૂમ મચાવી રહેલા નીખિલ ચૌધરી હવે એક ઐતિહાસિક સિદ્ધિથી માત્ર એક પગલું દૂર છે. દિલ્હીમાં જન્મેલા 30 વર્ષીય ઓલરાઉન્ડરને ઓસ્ટ્રેલિયાની T20 આંતરરાષ્ટ્રીય ટીમ માટે બોલાવવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જો તેને અંતિમ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે તો તેઓ છેલ્લા લગભગ 60 વર્ષમાં ઓસ્ટ્રેલિયા માટે રમનાર પ્રથમ ભારતીય મૂળના ખેલાડી બની શકે છે.

નીખિલ ચૌધરીનો જન્મ દિલ્હીમાં થયો હતો, પરંતુ પોતાના ક્રિકેટ કારકિર્દીને નવી ઊંચાઈ આપવા માટે તેઓ ઓસ્ટ્રેલિયા ગયા હતા. શરૂઆતના દિવસોમાં તેણે રેસ્ટોરન્ટમાં કામ કર્યું, પોસ્ટમેન તરીકે નોકરી કરી અને સાથે-સાથે ક્રિકેટનું સ્વપ્ન જીવંત રાખ્યું હતું. તેની મહેનતનું ફળ ત્યારે મળ્યું જ્યારે તેને તાસ્માનિયા અને પછી હોબાર્ટ હરિકેન્સ તરફથી રમવાની તક મળી.

તાજેતરના વર્ષોમાં નીખિલે બિગ બેશ લીગ અને ઓસ્ટ્રેલિયાના ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેઓ એક આક્રમક બેટર હોવા ઉપરાંત ઉપયોગી લેગ-સ્પિન બોલિંગ પણ કરે છે. તાજેતરમાં તેના બેટમાંથી મહત્વપૂર્ણ ઇનિંગ્સ પણ જોવા મળી હતી, જેના કારણે પસંદગીકારોનું ધ્યાન તેની તરફ ગયું છે.

નીખિલની સફર યુવા ક્રિકેટરો માટે પ્રેરણારૂપ છે. ભારતમાંથી ઓસ્ટ્રેલિયા પહોંચીને સંઘર્ષ વચ્ચે પોતાનું સ્થાન બનાવનાર આ ખેલાડી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મંચ પર પગ મૂકવાની તૈયારીમાં છે. જો તેને ડેબ્યૂ કરવાની તક મળે તો તે માત્ર તેના માટે જ નહીં પરંતુ વિશ્વભરના ભારતીય મૂળના ક્રિકેટરો માટે પણ ગૌરવની ક્ષણ સાબિત થશે.

Exit mobile version