ODIS

ભારતની ODIમાં દાદાગીરી યથાવત

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 11 મેના રોજ વાર્ષિક ODI ટીમ રેન્કિંગ જાહેર કરી હતી, જેમાં ભારતીય ક્રિકેટ ટીમે ફરી એકવાર પોતાનું નંબર-1 સ્થાન જાળવી રાખ્યું છે. IPL 2026 દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી વિરામ હોવા છતાં ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત રહ્યો છે.

ICC દર વર્ષે મે મહિનામાં ટીમ રેન્કિંગમાં અપડેટ કરે છે. આ પ્રક્રિયામાં ત્રણ વર્ષથી જૂના મેચોના પોઈન્ટ્સ સંપૂર્ણપણે દૂર કરવામાં આવે છે. જ્યારે મે 2025થી એપ્રિલ 2026 સુધી રમાયેલી મેચોને 100 ટકા વેઇટેજ આપવામાં આવે છે અને અગાઉના બે વર્ષના પરિણામોને 50 ટકા વેઇટેજ મળે છે. આ બદલાવથી ઘણીવાર રેન્કિંગમાં મોટાં ફેરફાર જોવા મળે છે, પરંતુ આ વખતે ટોપ-3માં કોઈ ફેરફાર થયો નથી.

ભારતીય ટીમ હાલમાં 118 રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને ન્યૂઝીલેન્ડ છે, જેના ખાતામાં 113 પોઈન્ટ્સ છે. જ્યારે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા 109 પોઈન્ટ્સ સાથે ત્રીજા ક્રમે છે.

આ રેન્કિંગમાં સૌથી મોટું નુકસાન પાકિસ્તાનને થયું છે. પોતાની જ ધરતી પર રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયા બાદ પાકિસ્તાન એક સ્થાન નીચે સરકીને પાંચમા નંબરે પહોંચી ગયું છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ એક સ્થાનનો ફાયદો મેળવીને ચોથા ક્રમે પ્રવેશ કર્યો છે.

અન્ય ટીમોની વાત કરીએ તો શ્રીલંકા છઠ્ઠા, અફઘાનિસ્તાન સાતમા, ઇંગ્લેન્ડ આઠમા, બાંગ્લાદેશ નવમા અને વેસ્ટ ઇન્ડીઝ દસમા સ્થાને છે. આયરલેન્ડ 11મા અને ઝિમ્બાબ્વે 12મા સ્થાને છે.

Exit mobile version