ODIS

99 રન પર અટક્યા જો રૂટ

ભારત સામે રમાયેલી બીજી વનડેમાં ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટર જો રૂટે શાનદાર અણનમ 99 રનની ઇનિંગ્સ રમીને પોતાની ટીમને ચાર વિકેટે જીત અપાવી હતી. સદીથી માત્ર એક રન દૂર રહી જવા છતાં રૂટે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેઓ વનડે ક્રિકેટના ઇતિહાસમાં 99 રન પર અણનમ રહેતા ઇંગ્લેન્ડના પ્રથમ બેટર બન્યા છે. આ સાથે તેઓ વિશ્વ ક્રિકેટમાં 99 રન પર અણનમ રહેનારા કુલ 17મા બેટર બન્યા છે.

કાર્ડિફમાં રમાયેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 233 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની શરૂઆત સારી રહી નહોતી, પરંતુ જો રૂટે અનુભવી બેટિંગ કરતાં આખી ઇનિંગ્સને સંભાળી રાખી. તેણે 133 બોલમાં અણનમ 99 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગાનો સમાવેશ થયો હતો. રૂટે સતત સ્ટ્રાઈક રોટેટ કરી અને જરૂરી સમયે બાઉન્ડરી ફટકારીને ટીમને જીતની નજીક પહોંચાડી.

જ્યારે ઇંગ્લેન્ડને જીત માટે માત્ર એક રનની જરૂર હતી ત્યારે જો રૂટ 99 રન પર હતા. ક્રિકેટપ્રેમીઓને તેની સદીની આશા હતી, પરંતુ ગસ એટકિન્સને વિજેતા રન બનાવી દીધો અને રૂટ 99 રન પર જ અણનમ રહી ગયા. જોકે મેચ બાદ રૂટે સ્પષ્ટ કહ્યું કે તેના માટે વ્યક્તિગત સદી કરતાં ટીમની જીત વધુ મહત્વની હતી અને એટકિન્સનને માત્ર મેચ પૂરી કરવાની સલાહ આપી હતી.

રૂટની આ ઇનિંગ્સે ફરી એકવાર સાબિત કર્યું કે તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ટીમ માટે મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે. તેમની આ ઇનિંગ્સના જોરે ઇંગ્લેન્ડે ત્રણ મેચની વનડે શ્રેણી 1-1થી બરાબર કરી દીધી છે. હવે બંને ટીમો વચ્ચેની નિર્ણાયક ત્રીજી વનડે લોર્ડ્સ મેદાન પર રમાશે, જ્યાં શ્રેણી જીતવા માટે બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે.

Exit mobile version