ODIS

જસ્ટિન ગ્રીવ્સ ઈજાગ્રસ્ત

ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી વનડે શ્રેણી દરમિયાન વેસ્ટ ઈન્ડિઝની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના ઓલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્સ પીઠની ઈજાને કારણે બીજી અને ત્રીજી વનડેમાંથી બહાર થઈ ગયા છે. તેના સ્થાને અનુભવી ડાબોડી બેટ્સમેન શિમરોન હેટમાયરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે આ ફેરફારની સત્તાવાર જાહેરાત કરી છે.

જસ્ટિન ગ્રીવ્સ પ્રથમ વનડેમાં પણ ઈજાના કારણે રમી શક્યા નહોતા. હાલ તેઓ બાર્બાડોસમાં રહીને પુનઃપ્રાપ્તિ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના જણાવ્યા અનુસાર તેની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આગામી મેચો તેમજ પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં તેની ફરીથી તબીબી તપાસ કરવામાં આવશે.

બીજી તરફ, શિમરોન હેટમાયર માટે આ ટીમમાં વાપસીની સારી તક બની છે. શરૂઆતમાં તેઓ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ત્રણ વનડે માટે પસંદ કરવામાં આવ્યા નહોતા કારણ કે તેઓ મેજર લીગ ક્રિકેટ (MLC)માં સિયાટલ ઓર્કાસ તરફથી રમવામાં વ્યસ્ત હતા. જોકે તેની ટીમ પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી, જેના કારણે હેટમાયર હવે રાષ્ટ્રીય ટીમ સાથે જોડાઈ શક્યા છે.

હેટમાયરે આ સીઝનની MLCમાં 10 મેચમાં 164 રન બનાવ્યા હતા. તેનું પ્રદર્શન ખાસ અસરકારક રહ્યું નહોતું, છતાં તેની આક્રમક બેટિંગ ક્ષમતાને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ ફરી એકવાર તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મધ્યક્રમમાં ઝડપી રન બનાવવાની તેની ક્ષમતા વેસ્ટ ઈન્ડિઝ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી છે. હવે બીજી અને ત્રીજી વનડેમાં ટીમ આ લીડ જાળવીને શ્રેણી પોતાના નામે કરવાની કોશિશ કરશે. આવી સ્થિતિમાં શિમરોન હેટમાયર પર ચાહકોની ખાસ નજર રહેશે અને તેઓ પોતાની વાપસીને યાદગાર બનાવવાનો પ્રયાસ કરશે.

Exit mobile version