ODIS

કુલદીપ યાદવ મેચ વિનર છે- અશ્વિન

ભારતના પૂર્વ દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટીમ ઈન્ડિયાના ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવને લઈને ટીમ મેનેજમેન્ટ પર ખુલ્લેઆમ સવાલ ઉઠાવ્યા છે. અશ્વિનનું માનવું છે કે કુલદીપ જેવા મેચ વિનર બોલરને પૂરતો વિશ્વાસ અને સતત તક આપવામાં આવી રહી નથી. તેણે કહ્યું કે જો ભારતને 2027ના વનડે વર્લ્ડ કપમાં સફળતા મેળવવી હોય તો કુલદીપ યાદવને અત્યારથી જ નિયમિત રીતે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવું જોઈએ.

અશ્વિને પોતાના યુટ્યુબ ચેનલ પર જણાવ્યું કે કુલદીપ યાદવ કોઈ સામાન્ય સ્પિનર નથી. તેઓ મેચનું પાસું પલટાવી શકે છે અને રમતના કોઈપણ તબક્કામાં વિકેટ લેવાની ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને દક્ષિણ આફ્રિકાની પિચો પર તેનો રેકોર્ડ પણ સારો રહ્યો છે. તેમ છતાં ટીમ મેનેજમેન્ટ વારંવાર અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદર જેવા ફિંગર સ્પિન ઓલરાઉન્ડરોને પ્રાથમિકતા આપી રહ્યું છે, જે યોગ્ય નિર્ણય નથી.

અશ્વિને વધુમાં કહ્યું કે કુલદીપને આત્મવિશ્વાસ આપવાની જરૂર છે. સતત ટીમની બહાર રાખવાથી ખેલાડીનું મનોબળ તૂટે છે. તેના મતે કુલદીપને ભારતના મુખ્ય સ્પિનર તરીકે તૈયાર કરવો જોઈએ જેથી તેઓ 2027ના વર્લ્ડ કપમાં સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે રમે.

આ ઉપરાંત અશ્વિને શિવમ દુબે વિશે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. તેણે કહ્યું કે જો હાર્દિક પંડ્યા અને નિતીશ કુમાર રેડ્ડી ઉપલબ્ધ ન હોય તો જ શિવમ દુબે વિકલ્પ બની શકે. જોકે વનડે ક્રિકેટમાં પ્રથમ પસંદગી તરીકે તેઓ હાર્દિક પંડ્યા અને ત્યારબાદ નિતીશ કુમાર રેડ્ડીને જ જોવે છે.

અશ્વિને શુભમન ગિલના નેતૃત્વ અને બેટિંગના પણ વખાણ કર્યા. તેણે કહ્યું કે ગિલમાં આગામી પેઢીના મજબૂત અને આત્મવિશ્વાસી કેપ્ટન બનવાની તમામ ક્ષમતા છે. જોકે તેના નિવેદનનો સૌથી વધુ ચર્ચાતો મુદ્દો કુલદીપ યાદવને લઈને હતો, જેના કારણે ફરી એકવાર ટીમ ઈન્ડિયાની પસંદગી પ્રક્રિયા ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે.

Exit mobile version