પાકિસ્તાન ક્રિકેટ ટીમના વ્હાઇટ-બોલ હેડ કોચ Mike Hessonએ 2027 ODI વર્લ્ડ કપને લઈને મોટું નિવેદન આપ્યું છે. હેસનનું માનવું છે કે આગામી દોઢ વર્ષમાં પાકિસ્તાનને વધુ મજબૂત અને સંતુલિત ટીમ બનાવવાની જરૂર છે. તેણે સ્પષ્ટ કહ્યું કે હવે માત્ર એ જ ખેલાડીઓને વારંવાર તક આપવાને બદલે નવા અને યુવા ખેલાડીઓને પણ અજમાવવામાં આવશે જેથી વર્લ્ડ કપ સુધીમાં શ્રેષ્ઠ સંયોજન તૈયાર થઈ શકે.
હેસને જણાવ્યું કે પાકિસ્તાનની ODI ટીમ હજુ પણ “વર્ક ઇન પ્રોગ્રેસ” છે અને ઘણા વિભાગોમાં સુધારાની જરૂર છે. તેણે કહ્યું કે ટીમ મેનેજમેન્ટ આગામી સમયમાં ખેલાડીઓનો મોટો પૂલ તૈયાર કરશે, જેથી વિવિધ પરિસ્થિતિઓમાં યોગ્ય કોમ્બિનેશન પસંદ કરી શકાય. ખાસ કરીને દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં યોજાનારા 2027 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને અલગ-અલગ પિચ અને પરિસ્થિતિઓ માટે ટીમ તૈયાર કરવામાં આવશે.
ઓસ્ટ્રેલિયા સામે આવનારી ODI સિરીઝને પણ હેસન ખૂબ મહત્વપૂર્ણ માની રહ્યા છે. તેના જણાવ્યા અનુસાર આ સિરીઝ યુવા ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની મોટી તક રહેશે. પાકિસ્તાની સ્ક્વોડમાં ઘણા નવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે અને હેસન ઇચ્છે છે કે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે અનુભવ મેળવે.
હેસને યુવા ખેલાડીઓ માટે ધીરજ રાખવાની પણ અપીલ કરી. તેણે કહ્યું કે દરેક ખેલાડી શરૂઆતથી જ સફળ થાય એવું જરૂરી નથી અને કેટલાક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થિર થવા માટે સમય જોઈએ. પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટનું મુખ્ય લક્ષ્ય આગામી વર્લ્ડ કપ પહેલા એક એવી ટીમ તૈયાર કરવાનું છે જે દરેક પરિસ્થિતિમાં જીત માટે દાવેદાર બની શકે.

