પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચોની વનડે સિરીઝ માટે ક્રિકેટ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 30 મે 2026થી શરૂ થનારી આ સિરીઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આગામી ICC વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ખેલાડીઓ પોતાની તૈયારી મજબૂત કરવા મેદાનમાં ઉતરશે.
સિરીઝની પ્રથમ મેચ 30 મેના રોજ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ બીજી અને ત્રીજી ODI મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં અનુક્રમે 2 જૂન અને 4 જૂનના રોજ યોજાશે. ત્રણેય મુકાબલા ભારતીય સમય અનુસાર સાંજે 5 વાગ્યે શરૂ થશે.
પાકિસ્તાનની ટીમની કમાન શાહીન શાહ આફ્રિદી સંભાળશે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમનું નેતૃત્વ જોશ ઇંગ્લિસ કરશે. પાકિસ્તાને બાબર આઝમ, શાદાબ ખાન અને નસીમ શાહ જેવા અનુભવી ખેલાડીઓને ફરી ટીમમાં સ્થાન આપ્યું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમમાં કેમેરોન ગ્રીન, એડમ ઝામ્પા અને માર્નસ લાબુશેન જેવા ખેલાડીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જોકે પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ જેવા મુખ્ય બોલરો આ સિરીઝમાં રમતા જોવા નહીં મળે.
આંકડાઓની વાત કરીએ તો બંને ટીમો અત્યાર સુધી 111 ODI મેચોમાં આમને-સામને આવી ચૂકી છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ 71 જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાન માત્ર 36 મેચ જીતી શક્યું છે.
ભારતમાં આ સિરીઝનું ટીવી પ્રસારણ ઉપલબ્ધ નહીં હોય. જોકે પાકિસ્તાનના દર્શકો PCB Live અને Tampad એપ દ્વારા મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે.

