Rohit Sharmaએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 19 વર્ષની શાનદાર સફર પૂર્ણ કરીને વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. 23 જૂન, 2007ના રોજ આયર્લેન્ડ સામે વનડેમાં ડેબ્યૂ કરનાર રોહિત આજે વિશ્વ ક્રિકેટના સૌથી સફળ બેટ્સમેનોમાં સામેલ છે. આ 19 વર્ષની સફરમાં તેણે અનેક એવા રેકોર્ડ બનાવ્યા છે, જેને તોડવા અન્ય ખેલાડીઓ માટે મોટો પડકાર રહેશે.
શરૂઆતના વર્ષોમાં ટીમમાં પોતાનું સ્થાન પાકું કરવા માટે રોહિતને સંઘર્ષ કરવો પડ્યો હતો. પરંતુ 2013માં ઓપનર તરીકે તક મળ્યા બાદ તેની કારકિર્દીએ નવી ઊંચાઈઓ સર કરી. ત્યારથી તેણે વનડે ક્રિકેટમાં રન અને સદીનો વરસાદ કર્યો. વનડેમાં ત્રણ બેવડી સદી ફટકારનાર તે વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે, જ્યારે 264 રનની તેની ઐતિહાસિક ઇનિંગ્સ આજે પણ વનડે ક્રિકેટનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે.
રોહિતના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વિશ્વ રેકોર્ડ પણ નોંધાયેલો છે. ઉપરાંત, 2019ના વનડે વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારી તેણે એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી બનાવવાનો અનોખો રેકોર્ડ રચ્યો હતો. તે ભારત માટે અનેક ICC ટૂર્નામેન્ટમાં સફળ નેતૃત્વ પણ આપી ચૂક્યો છે.
19 વર્ષની આ સફર દરમિયાન રોહિતે 20 હજારથી વધુ આંતરરાષ્ટ્રીય રન, 49થી વધુ આંતરરાષ્ટ્રીય સદી અને અનેક યાદગાર ઇનિંગ્સ રમી છે. તેની શાંત નેતાગીરી, આક્રમક બેટિંગ અને મોટા મંચ પર મેચ જીતાડવાની ક્ષમતાએ તેને ભારતીય ક્રિકેટના મહાન ખેલાડીઓમાં સ્થાન અપાવ્યું છે. ક્રિકેટપ્રેમીઓ હવે આશા રાખી રહ્યા છે કે ‘હિટમેન’ આગામી વર્ષોમાં પણ પોતાના અનુભવ અને બેટિંગથી ટીમ ઈન્ડિયાને નવી સફળતાઓ અપાવશે.

