ODIS

માત્ર 6 રન દૂર રોહિત શર્મા

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર ઓપનર Rohit Sharma ફરી એકવાર એક ઐતિહાસિક સિદ્ધિની નજીક પહોંચી ગયા છે. રોહિત શર્માને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓપનર તરીકે 16,000 રન પૂર્ણ કરવા માટે હવે માત્ર 6 રનની જરૂર છે. આ સિદ્ધિ હાંસલ કરતાની સાથે જ તેઓ આ ખાસ ક્લબમાં સ્થાન મેળવનારા બીજા ભારતીય બેટ્સમેન બની જશે.

રોહિત છેલ્લા ઘણા વર્ષોથી ભારત માટે તમામ ફોર્મેટમાં ઓપનિંગ કરતા આવ્યા છે અને તેની બેટિંગે ભારતીય ક્રિકેટને અનેક યાદગાર જીત અપાવી છે. 2013માં ઓપનર તરીકે સ્થાયી થયા બાદ તેના કરિયરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. વનડે ક્રિકેટમાં તેમની ત્રણ ડબલ સદીનો વિશ્વ રેકોર્ડ આજે પણ અતૂટ છે અને તેઓ વિશ્વના સૌથી સફળ ઓપનરોમાંના એક ગણાય છે.

આંકડાઓ પર નજર કરીએ તો રોહિત શર્માએ ઓપનર તરીકે ટેસ્ટ, વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મળીને 15,994 રન બનાવી લીધા છે. હવે આગામી મેચમાં માત્ર 6 રન બનાવતા જ તેઓ 16 હજાર રનનો આંકડો પાર કરી દેશે. આ સિદ્ધિ તેના લાંબા સમયથી જાળવી રાખેલા સતત પ્રદર્શન અને ફિટનેસનું પ્રતિબિંબ છે.

રોહિત શર્માના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000થી વધુ રન નોંધાયેલા છે અને તેઓ ભારતના સૌથી સફળ બેટ્સમેનોમાં સામેલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે અને હજુ પણ નવા માઇલસ્ટોન સર કરતા રહ્યા છે.

ભારતીય ક્રિકેટ ચાહકો હવે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે રોહિત આગામી મેચમાં આ ઐતિહાસિક સિદ્ધિ પૂર્ણ કરે અને ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ અધ્યાય ઉમેરે. તેના અનુભવ અને શાનદાર ફોર્મને જોતા આ માઇલસ્ટોન માત્ર સમયની વાત માનવામાં આવી રહી છે.

Exit mobile version