ODIS

IPL પછી પહેલી વાર નેટ્સ પર જોવા મળ્યા રોહિત શર્મા

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન Rohit Sharma અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝ પહેલાં સંપૂર્ણ લયમાં દેખાયા છે. હેમસ્ટ્રિંગની સમસ્યાના કારણે લાંબા સમયથી મેદાનથી દૂર રહેલા રોહિતે ફિટનેસ ક્લિયરન્સ મળ્યા બાદ મોહાલીના આઈએસ બિંદ્રા સ્ટેડિયમમાં ટીમના પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો અને પોતાની બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું.

અહેવાલ મુજબ રોહિત બુધવારે ટીમ બસમાંથી સૌથી પહેલા બહાર આવ્યા હતા. શરૂઆતમાં તેણે હળવી દોડ અને વોર્મ-અપ કર્યું, ત્યારબાદ સીધા નેટ્સમાં બેટિંગ માટે પહોંચ્યા. શરૂઆતના કેટલાક મિનિટોમાં તેઓ થોડા અસ્વસ્થ દેખાયા અને મોટા શોટ્સ રમવાને બદલે ટાઈમિંગ પર ધ્યાન આપતા જોવા મળ્યા. જોકે થોડા સમય બાદ તેણે પોતાની જૂની લય પકડી લીધી અને પુલ, ફ્લિક, કટ તેમજ કવર ડ્રાઈવ જેવા આકર્ષક શોટ્સ ફટકારીને પોતાની તૈયારીનો પરિચય આપ્યો.

રોહિતે લગભગ 45 મિનિટ સુધી ઝડપી બોલરો સામે બેટિંગ કરી હતી. ત્યારબાદ તેણે બેટિંગ કોચ સાથે ચર્ચા કરી અને સ્પિન બોલરો સામે પણ પ્રેક્ટિસ કરી. ફીલ્ડિંગ સેશન દરમિયાન તેણે કેચિંગની પણ મહેનત કરી હતી. આ સમગ્ર સેશન દરમિયાન તેમની બોડી લેંગ્વેજ આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી હતી.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચોની ODI સિરીઝ 13 જૂનથી શરૂ થવાની છે. તાજેતરમાં રોહિતની ફિટનેસ અંગે સવાલો ઊભા થયા હતા, પરંતુ હવે તેઓ સંપૂર્ણપણે તૈયાર દેખાઈ રહ્યા છે. તેની વાપસી ભારતીય ટીમ માટે મોટા રાહતના સમાચાર સમાન છે, ખાસ કરીને ત્યારે જ્યારે કેટલાક અન્ય ખેલાડીઓ ઈજાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

અફઘાનિસ્તાન સામેની સિરીઝમાં હવે તમામ નજરો રોહિત શર્મા પર રહેશે અને ચાહકો તેની પાસેથી વધુ એક યાદગાર પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે.

Exit mobile version