OTHER LEAGUES

પ્રથમ ત્રણ બોલમાં જ હેટ્રિક

તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) 2026માં બુધવારે એક અદભૂત અને ઐતિહાસિક બોલિંગ પ્રદર્શન જોવા મળ્યું. VIDA કોયમ્બતુર કિંગ્સના ઝડપી બોલર કે. દીબાન લિંગેશે ટ્રિચી ગ્રાન્ડ ચોલાસ સામેની ક્વોલિફાયર-2 મેચમાં ઇનિંગ્સના પ્રથમ ત્રણ જ બોલમાં ત્રણ વિકેટ લઈને હેટ્રિક નોંધાવી. આ સાથે તેઓ TNPLના ઈતિહાસમાં ઇનિંગ્સના પહેલા ત્રણ બોલમાં હેટ્રિક લેનારા પ્રથમ બોલર બન્યા.

કોયમ્બતુર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 183 રન બનાવ્યા હતા. ઓપનર એસ. લોકેશ્વરે શાનદાર 66 રનની ઈનિંગ્સ રમી, જ્યારે ટીમે મજબૂત સ્કોર ઉભો કર્યો. 184 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટ્રિચી ગ્રાન્ડ ચોલાસની શરૂઆત એટલી ખરાબ રહી કે માત્ર ત્રણ બોલ બાદ સ્કોર 0 રન પર 3 વિકેટ થઈ ગયો.

દીબાન લિંગેશે પ્રથમ બોલે કે. રાજકુમારને વિકેટકીપરના હાથમાં કેચ કરાવ્યો. ત્યારબાદ બીજા બોલે એસ. શ્યામ સુંદર એજ આપી કેચ આઉટ થયા. હેટ્રિક માટે ત્રીજા બોલે આવેલા જગન્નાથન કૌશિકને લિંગેશે બોલ્ડ કરી દીધા. ત્રણેય બેટર્સ ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યા. આ અનોખી હેટ્રિકને ‘ગોલ્ડન હેટ્રિક’ તરીકે ઓળખવામાં આવી રહી છે.

ટ્રિચી માટે મુશ્કેલી અહીં અટકી નહોતી. ટીમના વધુ બેટર્સ પણ ઝડપથી આઉટ થતા ગયા અને આખી ટીમ માત્ર 99 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. દીબાન લિંગેશે 3 વિકેટ ઝડપી, જ્યારે મણિમારન સિદ્ધાર્થે પણ શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી. પરિણામે કોયમ્બતુર કિંગ્સે 84 રનની મોટી જીત મેળવી અને TNPL 2026ની ફાઇનલમાં સ્થાન મેળવ્યું.

દીબાન લિંગેશની આ ઐતિહાસિક હેટ્રિક માત્ર તેમની ટીમ માટે જ નહીં, પરંતુ સમગ્ર TNPL માટે યાદગાર બની છે.

Exit mobile version