ODIS

શુભમન ગિલે એજબેસ્ટનમાં રચ્યો નવો ઈતિહાસ

ભારતીય ક્રિકેટ ટીમના યુવા કેપ્ટન શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામે એજબેસ્ટન મેદાન પર વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે. પ્રથમ વનડે દરમિયાન 80 રનની શાનદાર ઇનિંગ્સ રમતાં ગિલે એજબેસ્ટનમાં ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો. આ સાથે તેણે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો રેકોર્ડ પાછળ છોડી દીધો છે.

શુભમન ગિલ છેલ્લા એક વર્ષથી શાનદાર ફોર્મમાં છે અને ઇંગ્લેન્ડની ધરતી પર સતત યાદગાર પ્રદર્શન કરી રહ્યો છે. એજબેસ્ટનમાં ટેસ્ટ ક્રિકેટમાં ડબલ સદી સહિત અનેક મોટી ઇનિંગ્સ બાદ હવે તેણે વનડેમાં પણ 80 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમીને પોતાની છાપ વધુ મજબૂત બનાવી છે. આ ઇનિંગ્સ દરમિયાન તેણે વિરાટ કોહલી અને મોહમ્મદ અઝહરુદ્દીન જેવા દિગ્ગજોને પાછળ રાખીને એજબેસ્ટનમાં ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હાંસલ કર્યો.

પ્રથમ વનડેમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 259 રનના લક્ષ્યનો સફળ પીછો કર્યો હતો. શુભમન ગિલે આક્રમક અને જવાબદાર બેટિંગ કરતાં 75 બોલમાં 80 રન બનાવ્યા હતા. જોકે, ઇનિંગ્સ દરમિયાન પગમાં ખેંચાણ આવતાં તેઓ નિવૃત્ત હર્ટ થયા હતા. તેમ છતાં તેની ઇનિંગ્સે ભારતની જીતનો મજબૂત પાયો તૈયાર કર્યો હતો. ત્યારબાદ અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરની અણનમ ભાગીદારીએ ભારતને છ વિકેટે શાનદાર જીત અપાવી અને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-0ની સરસાઈ અપાવી.

ગિલની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ સતત આત્મવિશ્વાસ સાથે રમતી જોવા મળી રહી છે. બેટિંગમાં તેની સ્થિરતા અને નેતૃત્વ બંનેએ ચાહકો તેમજ ક્રિકેટ નિષ્ણાતોને પ્રભાવિત કર્યા છે. વિરાટ કોહલીનો પ્રતિષ્ઠિત રેકોર્ડ તોડીને શુભમન ગિલે ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ ભારતીય ક્રિકેટના આગામી યુગના સૌથી મોટા સ્ટાર અને સફળ કેપ્ટનોમાં સ્થાન મેળવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છે.

Exit mobile version