ODIS

વૈભવ સૂર્યવંશીનું બેટ ભારતીય ટીમમાં નિષ્ફળ રહ્યું

ભારત A અને શ્રીલંકા A વચ્ચે દંબુલ્લામાં રમાયેલી ત્રિકોણીય વન-ડે સિરીઝની પ્રથમ મેચમાં તમામની નજર 15 વર્ષીય બેટિંગ સેન્સેશન વૈભવ સૂર્યવંશી પર હતી. IPL અને અંડર-19 ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શન બાદ તેણે તાજેતરમાં ભારતીય સિનિયર T20 ટીમમાં પણ સ્થાન મેળવ્યું હતું, જેના કારણે ચાહકોને તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી. પરંતુ આ વખતે યુવા બેટ્સમેન અપેક્ષાઓ પર ખરો ઉતરી શક્યો નહીં.

ભારત A માટે ઓપનિંગ કરવા આવેલા વૈભવે શરૂઆતમાં કેટલાક આકર્ષક શોટ્સ રમ્યા હતા, પરંતુ તે લાંબી ઇનિંગ્સ રમી શક્યો નહીં અને માત્ર 14 રન બનાવીને આઉટ થયો. તેના વહેલા આઉટ થતાં ભારતીય ટીમને શરૂઆતમાં જ ઝટકો લાગ્યો. વૈભવના ચાહકો તેની આ ઇનિંગ્સથી નિરાશ થયા, કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી તે સતત ચર્ચામાં રહ્યો છે.

વૈભવ માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભારત A તરફથી મળેલી તક તેના આંતરરાષ્ટ્રીય ભવિષ્ય માટે એક મોટું પ્લેટફોર્મ છે. તાજેતરમાં મુખ્ય પસંદગીકારોએ પણ તેની પ્રતિભાની પ્રશંસા કરી હતી અને તેના પ્રદર્શનના આધારે જ તેને સિનિયર ટીમમાં સ્થાન મળ્યું હતું.

જોકે પ્રથમ મેચમાં તે નિષ્ફળ રહ્યો છે, પરંતુ ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે એક ખરાબ ઇનિંગ્સથી તેની ક્ષમતાનું મૂલ્યાંકન કરી શકાય નહીં. અંડર-19 વર્લ્ડ કપ અને IPLમાં તેણે અનેક યાદગાર ઇનિંગ્સ રમી છે અને આગામી મેચોમાં મજબૂત વાપસી કરવાની તેની પાસે સંપૂર્ણ ક્ષમતા છે. હવે નજર રહેશે કે ત્રિકોણીય સિરીઝની આગામી મેચોમાં વૈભવ સૂર્યવંશી પોતાના બેટથી ફરી એકવાર ધમાકો કરી શકે છે કે નહીં.

Exit mobile version